ચેતજો@પાટણ: જિલ્લા પંચાયતનુ 75 લાખનું ટેન્ડર આવ્યું, બજારથી ત્રિપલ ભાવે વેપાર કરવા એજન્ટો સક્રિય

 
Patan
ભ્રષ્ટાચારની ભયંકર દુર્ગંધના અહેવાલ બાદ ભ્રષ્ટાચારીઓના પેટમાં તેલ રેડાયું છે.

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


પાટણ જિલ્લા પંચાયતની શિક્ષણ શાખાએ રમતગમતના સાધનો અને ડીજીટલ લાઈબ્રેરી સેટ ખરીદીમાં ભયંકર બેદરકારી રાખી છે. એજન્ટો, ટેન્ડરો લેવા ઉભી કરેલી એજન્સી, ટેન્ડર સાથે સંકળાયેલા સહિતનાએ ભેગા મળીને સરકારને 30 લાખથી વધુની નુકસાની આપી છે. હવે અત્યારે ફરી એક 75 લાખનું ટેન્ડર બહાર પડેલ છે ત્યારે બજારથી મહાકાય ભાવે વેપાર કરવા ટોળકી સક્રિય થઈ છે. સોલાર વોટર કુલર બજારમાં જે ભાવે મળે છે તેનાથી ડબલ ત્રિપલ ભાવે વેપાર કરવા/કરાવવા દોડધામ મચી છે. હવે જો આયોજને આપેલી આ 75 લાખની ગ્રાન્ટમાં કલેક્ટર અને આયોજન અધિકારી દેખરેખ નહિ રાખે તો મહા ભ્રષ્ટાચારની સંભાવના છે. આ ટેન્ડરમાં ટોળકીએ એડીચોટીનું જોર લગાવ્યું છે અને કેવીરીતે ભ્રષ્ટાચાર કરવા તૈયારી કરી છે તેનો ઘટસ્ફોટ કરતો આ સ્પેશ્યલ રીપોર્ટ તંત્રને સમર્પિત.

પાટણ જિલ્લા આયોજન કચેરીએ નાણાંકીય વર્ષ 2023-24 હેઠળ વિકાસશીલ તાલુકાઓની ગ્રાન્ટ અંતર્ગત પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીને વધુ એક ગ્રાન્ટની વહીવટી મંજૂરી આપેલી છે. એક શાળામાં 5 લાખના સોલાર વોટર કુલર એમ કુલ 15 પ્રાથમિક શાળામાં 75 લાખની ગ્રાન્ટ આવેલી છે. ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીએ હાલમાં સોલાર વોટર કુલર ખરીદવા સરકારના ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ પોર્ટલ ઉપર ટેન્ડર બહાર પાડ્યું છે. હવે આ 160થી 200 લીટરની ક્ષમતાવાળા સોલાર વોટર કુલરના સ્પેસિફિકેશન જોવામાં આવે તો બજારમાં સરેરાશ 2 લાખમાં મળી રહે છે. હવે અહિં વહીવટી મંજૂરી મુજબ ડીપીઇઓ કચેરીએ સ્પર્ધાત્મક રીતે 5 લાખથી ઓછી કિંમતે સોલાર વોટર કુલર ખરીદવા ટેન્ડર કર્યું છે ત્યારે એજન્ટો હાવી ના થાય તો સરકારને 40 લાખથી વધુની બચત થશે. આ બચત નહિ થવા દેવા અને બજારથી ત્રિપલ ભાવે વેચાણ કરવા કોણ કેવીરીતે સક્રિય તે પણ જાણો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, 15 પ્રાથમિક શાળામાં સોલાર વોટર કુલરની વ્યવસ્થા ઉભી કરવા પાટણ જિલ્લા આયોજન મંડળે 75 લાખની ગ્રાન્ટ પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીને આપી છે. હવે આ ખરીદી ટેન્ડરથી કરવાની થાય ત્યારે સરકાર ઇચ્છે કે, પારદર્શક સ્પર્ધાત્મક રીતે ખરીદી થાય તો 5 લાખથી ઓછી કિંમતે સોલાર વોટર કુલર મળે. હવે અત્યારે ટેન્ડરની તાજા પરિસ્થિતિ મુજબ ટેકનિકલ સેક્શન પૂર્ણ થયું અને ચારથી પાંચ એજન્સીઓ વચ્ચે ભાવોની હરિફાઈ થશે. એટલે કે રિવર્સ ઓક્શન શરૂ થશે ત્યારે જો આ ચારથી પાંચ એજન્સીઓ ટોળકીના એજન્ટોની હશે તો ઈરાદાપૂર્વક રિવર્સ ઓક્શનમાં ભાગ નહિ લે અથવા ભાગ લે તો એકદમ નજીવા ભાવો ઘટાડી રિવર્સ ઓક્શન પૂર્ણ કરાવશે. આવી સ્થિતિ થાય તો સોલાર વોટર કુલરનો 4થી 5 લાખની વચ્ચે વેપાર થશે. જો આ ચારથી પાંચ એજન્સીઓ અલગ અલગ માલિકીની હશે અને તેમનાં વચ્ચે રિવર્સ ઓક્શનમાં મેળાપીપણુ નહિ હોય તો પારદર્શક રીતે ઓછાં ભાવોની ઓફર થશે. આવી સ્થિતિમાં સરકારને એક સોલાર વોટર કુલર બજાર ભાવ અથવા તેનાથી પણ ઓછાં ભાવે મળી શકે.

તમે પણ સોલાર વોટર કુલરના સ્પેસિફિકેશન જોઈ બજારમાં ભાવ જાણી શકો


આ 75 લાખના સોલાર વોટર કુલર ટેન્ડરમાં અમલીકરણ અધિકારી ખૂબ કાળજી રાખી રહ્યા છે અને હાલના જિલ્લા આયોજન અધિકારી પણ સરકારના નાણાંકીય હીત માટે અવગત થયા છે. આ તરફ 40 લાખથી વધુનો નફો લેવા એજન્ટો હવાતિયાં મારી મેળાપીપણા કરવા/કરાવવા તેમજ ભારત સરકારના કમ્પિટીશન કમિશન ઓફ ઈન્ડિયાની જોગવાઈઓ બેધ્યાને કરવા સક્રિય બન્યા છે. આથી સરકારનું હિત ઈચ્છતા સૌ કોઈ એકવાર આ સોલાર વોટર કુલરના સ્પેશિફીકેશન જોઈ વાંચી બજારમાં ભાવ જાણે તે ખૂબ અગત્યનું છે.

અટલ સમાચાર ડોટ કોમના અહેવાલ બાદ વોટ્સએપ કોલ શરૂ થયા

અટલ સમાચાર ડોટ કોમ દ્વારા રમતગમતના સાધનો અને ડીજીટલ લાઈબ્રેરી સેટ ખરીદીમાં ભ્રષ્ટાચારની ભયંકર દુર્ગંધના અહેવાલ બાદ ભ્રષ્ટાચારીઓના પેટમાં તેલ રેડાયું છે. પોતાને પાટણ જિલ્લાના ટેન્ડરોના સેટિંગબાજ સમજતાં ઈસમોએ વોટ્સએપ કોલ કરી ગર્ભિત ભય ઉભો કરવા કોશિશ કરી છે. એક ઈસમે તમે ક્યાંના છો, તમારૂં વતન કયું તેવા સવાલો કર્યા હતા. બીજા એક ઈસમે ટેન્ડર લીધેલ વ્યક્તિ મારો ભાઇ છે એમ કહીને પોતાનો પાટણ જિલ્લાનો સૌથી મોટો પત્રકાર હોવાનો ડોળ કર્યો હતો. આ ઈસમે પણ ગોળ ગોળ કેમ લખો, જે હોય એ લખો કહીને ધમકાવવાની કોશિશ કરી હતી. જોકે સરકારના હિતમાં અટલ સમાચાર કોઈપણ સંજોગોમાં પાછળ પડશે નહિ અને આ ટેન્ડરમાં સરકારનાં નાણાંકીય હીત માટે બેધડક ખડેપગે રહેશે.