બનાસકાંઠા: શૌચાલય કૌભાંડમાં કરારવાળા સસ્પેન્ડ, કાયમી કર્મચારી બચી ગયા

અટલ સમાચાર, ગિરિશ જોશી, મહેસાણા બનાસકાંઠા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ છેલ્લા કેટલાક વર્ષોથી શૌચાલય બનાવવાની કામગીરી ચાલુ છે. જેમાં ત્રણ તાલુકાઓમાં સરેરાશ 150 શૌચાલય બનાવ્યા વિના જ ચુકવણું કરી દેવાયુ હતુ. જેની તપાસમાં કરાર આધારીત કેટલાક કર્મચારીઓ સસ્પેન્ડ થયા છે, જયારે કાયમી કર્મચારીઓને નોટીસ પાઠવી સંતોષ લીધો છે. કસુરવારો સામે પોલીસ ફરીયાદ કરવાનુ પણ ટાળવામાં
 
બનાસકાંઠા: શૌચાલય કૌભાંડમાં કરારવાળા સસ્પેન્ડ, કાયમી કર્મચારી બચી ગયા

અટલ સમાચાર, ગિરિશ જોશી, મહેસાણા

બનાસકાંઠા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ છેલ્લા કેટલાક વર્ષોથી શૌચાલય બનાવવાની કામગીરી ચાલુ છે. જેમાં ત્રણ તાલુકાઓમાં સરેરાશ 150 શૌચાલય બનાવ્યા વિના જ ચુકવણું કરી દેવાયુ હતુ. જેની તપાસમાં કરાર આધારીત કેટલાક કર્મચારીઓ સસ્પેન્ડ થયા છે, જયારે કાયમી કર્મચારીઓને નોટીસ પાઠવી સંતોષ લીધો છે. કસુરવારો સામે પોલીસ ફરીયાદ કરવાનુ પણ ટાળવામાં આવ્યુ છે.

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર, ડીસા અને સુઇગામ તાલુકાના ત્રણ ગામોનુ સરેરાશ 400 શૌચાલયનું કૌભાંડ સામે આવ્યુ હતુ. જેમાં 140 શૌચાલયો બનાવ્યા વગર જ ચુકવણું થયાનુ સામે આવતા પંચાયત આલમમાં ખળભળાટ મચી ગયો હતો. જીલ્લા પંચાયત અને ડીઆરડીએ હેઠળ થયેલી તપાસમાં સરેરાશ 5 થી 6 કરાર આધારીત કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, તલાટી, વિસ્તરણ(આઇઆરડી), એકાઉન્ટન્ટ અને ટીડીઓ સહિતના કર્મચારી-અધિકારીઓ ચુકવણાંની બાબતે જવાબદાર છતાં બચી ગયા છે. તપાસ અધિકારીના રીપોર્ટમાં માત્ર કરાર આધારીત કર્મચારી કસુરવાર છે ? રીપોર્ટમાં કાયમી કર્મચારી જવાબદાર હોય તો પોલીસ ફરીયાદ કે સસ્પેન્ડ કેમ નહી ? કાયમી કર્મચારીઓને માત્ર નોટીસ ? જોગવાઇ મુજબ જો રીકવરી થઇ છે તો ઘટના સંબંધિત તમામ સામે એફઆઇઆર કેમ નહી ?

ડીઆરડીએ અને જીલ્લા પંચાયત સરેરાશ 17 લાખથી વધુના શૌચાલય કૌભાંડ મામલે તત્કાલીન તલાટી, એકાઉન્ટન્ટ, ટીડીઓ સહિતના કાયમી કર્મચારીઓ સામે નતમસ્તક બની હોવાના સવાલો ઉભા થયા છે. શૌચાલય બનાવ્યા વગર ચુકવણું પ્રથમ દ્રષ્ટિએ ગુનો હોવા છતાં નાની માછલીનો શિકાર કરી મોટી માછલી બચી જતા અધિકારીઓ સામે આશંકા બની છે.

કયાં તાલુકામાં કેટલા શૌચાલય બન્યા વગર ચુકવણું ?

ગામ- સામઢી,     તા. પાલનપુર શૌચાલય- 57
ગામ- ગોગાપુરા,  તા. ડીસા શૌચાલય -56
ગામ- જેલાણા,    તા. સુઇગામ શૌચાલય – 27

પ્રોગ્રામ અધિકારીની જવાબદારી કંઇ નહિ ?

શૌચાલયનું ચુકવણું લાભાર્થી સુધી જવામાં અનેક કર્મચારીઓની ભુમિકા આવે છે. જેમાં સૌપ્રથમ જીલ્લા કો-ઓર્ડીનેટર દરેક તાલુકામાં આઇઆરડી શાખાના કર્મચારીઓ સાથે સંકળાયેલા રહે છે. આથી કોઇપણ તાલુકાના ગામે શૌચાલય કૌભાંડ માત્ર જે તે તાલુકાના આઇઆરડી કર્મચારી સિવાય પ્રોગ્રામ અધિકારી સામે પણ આશંકા ઉભી કરે છે. આથી બનાસકાંઠા જીલ્લાના શૌચાલય કૌભાંડ મામલે પ્રોગ્રામ અધિકારીની જવાબદારી વિશે હજુ સુધી કોઇ સ્પષ્ટતા આવી નથી.

ગ્રામ વિકાસ એજન્સી શાખ બચાવવા પ્રયત્નશીલ નથી ?

બનાસકાંઠા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ અનેક ઠેકાણે સામે આવેલા શૌચાલય કૌભાંડ શાખ ઉપર ધબ્બો લગાવી રહ્યા છે. ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને સંબંધિત સત્તાધિકારીઓ સમગ્ર મામલે પોતાનો પક્ષ રજુ કરી બગડેલી શાખને સુધારવા પ્રયત્નશીલ નથી ? તેવા સવાલો વહીવટી અને રાજકીય આલમમાં ચર્ચાઇ રહ્યા છે.

શું કહે છે નિયામક ? 

સમગ્ર મામલે ગ્રામવિકાસ એજન્સીના નિયામક રવિન્દ્ર વાળાએ જણાવ્યુ હતુ કે, નિયમોનુસાર જે તે કર્મચારીઓની ભુમિકા જોઇ કાર્યવાહી થઇ છે. હજુ પણ કેટલીક કાર્યવાહી પ્રક્રીયા હેઠળ છે.