ચકચાર@મોડાસા: માર્ગ મકાનના 2 ઈજનેરોએ ભેગાં મળીને કરોડોનું કૌભાંડ આચર્યું? આક્ષેપોની ગંભીરતા જોઈ તત્કાલ તપાસ શરૂ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
અરવલ્લી જિલ્લામાં જાણે કોઈ પૂછનાર ક્રોસ ચેક ના હોવાનો સવાલ ઉભો કરતી એક ફરિયાદ સામે આવી છે. માર્ગ મકાન સ્ટેટના 2 ઈજનેરોએ ભેગાં મળીને કરોડોનું કૌભાંડ બેફામપણે આચર્યું હોવાનો સનસનીખેજ આક્ષેપ એક નહિ અનેક જગ્યાએ થતાં ચકચાર મચી ગઇ છે. ફરિયાદી ગંભીર પ્રકારના આક્ષેપો મામલે ગાંધીનગર સ્થિત સચિવાલયમાં 10થી વધુ વખત રૂબરૂમાં ફરિયાદ કરી કાર્યવાહી ના થાય ત્યાં સુધી મથી રહ્યા છે. હવે આ તમામ ઘટનાક્રમ વચ્ચે હકીકતલક્ષી બાબતો સમજવા અટલ સમાચાર ડોટ કોમ દ્વારા જે પ્રયત્ન થયો તેમાં પણ ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. હાલના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું કે, કામનુ માપ અને સામે ચૂકવેલ બીલોની ઝીણવટભરી તપાસ ચાલુમાં છે. આ તરફ માર્ગ મકાન સ્ટેટના સચિવ પટેલિયાએ જણાવ્યું કે, તપાસ ચાલું હોઈ સરકારના હિતમાં કરી રહ્યા છીએ. જાણીએ કરોડોની કૌભાંડકથાનો સ્ફોટક રીપોર્ટ.
મોડાસા એ અરવલ્લી જિલ્લાનું વડામથક છે અને જિલ્લા માર્ગ મકાન વિભાગ (સ્ટેટ)નું સબ ડિવિઝન પણ અહિં છે. આ કચેરીમાં વર્ષોથી કોઈના આશીર્વાદથી બદલી વગર ડેપ્યુટી ઈજનેર તરીકે દેવાંગ પટેલ અને મદદનીશ ઈજનેર તરીકે વિરલ પટેલ ફરજ બજાવે છે. આ બંને ઈજનેરો મોડાસા સબ ડિવિઝનમાં ઘણાં વર્ષોથી છે ત્યારે સ્થાનિક નાગરિકે ભયંકર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી તટસ્થ તપાસની દોડધામ આદરી છે. અનેક મુદ્દા પૈકી સરકારી ડામર બારોબાર વેચી માર્યાનો ચોંકાવનારો આક્ષેપ તપાસની માંગ કરી રહ્યો છે. આ રજૂઆત ઘણાં સમયથી હોઈ અને તથ્યાત્મક સમજવા અરવલ્લી જિલ્લા કાર્યપાલક ઇજનેર ચૌધરીને પૂછતાં જણાવ્યું કે, હજુ હમણાં આવ્યો છું પરંતુ તપાસ ચાલી રહી છે, જેમાં બીલો મૂકી ખર્ચ કર્યો તેમાં કામગીરી કેટલી તેવી ટેકનિકલ બાબતે રીપોર્ટ તૈયાર કરવાનો છે. આ સિવાયની તપાસ કોણ કરી રહ્યું તેની ખબર નથી. આ તરફ માર્ગ મકાન વિભાગ સ્ટેટના સચિવ પટેલિયાને પૂછતાં જણાવ્યું કે, તપાસના ઓર્ડર છે એટલે રીપોર્ટ આવે પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નીચેના ફકરામાં વાંચો સ્ફોટક બાબતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતમાં માર્ગ મકાન વિભાગના કોઈ ઈજનેરો ઉપર આટલા હદે ગંભીર પ્રકારના આક્ષેપો થયા હોય તેવો સંભવતઃ આ સૌપ્રથમ કેસ હોઈ શકે છે. આક્ષેપોની ટૂંકમાં સમજવા હોય તો, ઘરની પેઢી હોય તેમ બેફામ બીલો મૂકી સરકારની ગ્રાન્ટનો સ્વફાયદા માટે ઉપયોગ કમ ઉચાપતના આરોપ છે. નહિ માત્ર ડામર વેચી મારવો પરંતુ અત્યંત ગંભીર પ્રકારના મુદ્દાસર રજૂઆત હોવાથી સરકારે પણ તતકાલ અસરથી તપાસ રીપોર્ટ તૈયાર કરવા સુચના આપી છે. કેમ કે, આ બંને ઈજનેરો સામે એકલા આક્ષેપ નથી, સ્થાનિકો ત્યાં સુધી કહે છે કે, ધોળાં ઝબ્બાવાળા 2 નેતાની છત્રછાયા અને મિલીભગતથી કલ્પના બહારનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ છે. વધુ બીજા રીપોર્ટમાં જાણીએ.