ગુજરાતઃ ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો
jitu vagani

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યની બિન અનુદાનિત ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના હિતમાં શિક્ષણ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામા આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓના હિતમાં બિન અનુદાનિત ખાનગી શાળા સામે કડક વલણ અપનાવી દંડનીય કાર્યવાહિથી લઇને શાળા કે સંસ્થાની માન્યતા રદ કરવા સુધીની જોગવાઇઓ કરવામાં આવી હોવાનું શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ છે.

આગામી 13મી જૂનથી રાજ્યની શાળાઓ ફરી શરૂ થઈ રહી છે. આ દરમિયાન રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી એ વિદ્યાર્થીઓના વાલીઓને રાહતના સમાચાર આપ્યા છે. રાહતના સમાચાર એ રીતે કે હવે શાળાઓ વાલીઓને ચોક્કસ દુકાન કે સંસ્થા પાસેથી જ ગણવેશ સહિતની વસ્તુઓ લેવા માટે ફરજ પાડી શકશે નહીં. આ માટે શાળાની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં ખાનગી શાળાઓ સામે લાલ આંખ તો કરી છે પરંતુ શાળાઓ આ નિર્ણયને ગાંઠે છે કે નહીં તે પણ જોવું રહ્યું.


શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને ગણવેશ/બુટ, પુસ્તકો, સાહિત્યો અને સ્ટેશનરી ચોક્કસ દુકાન કે સંસ્થામાંથી જ ખરીદવા દબાણ કરતી શાળાઓ સામે દંડનીય કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવશે. એટલુ જ નહિ, અનિયમિતતા આચરતી ખાનગી શાળાઓ સામે પહેલી વખતમાં રૂ. ૧૦ હજાર અને ત્યારબાદના અનિયમિતતાના દરેક કિસ્સામાં રૂ. ૨૫ હજાર દંડ કરવાની શિક્ષણ વિભાગ દ્વારા જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત પાંચ કે તેથી વધુ વખત અનિયમિતતા આચરે તો તેવા કિસ્સામાં શાળા/સંસ્થાની માન્યતા રદ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.

વાઘાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, વિદ્યાર્થીઓને કોઈ ચોક્કસ સંસ્થા કે એજન્સી પાસેથી કે ચોક્કસ માર્કા કે કંપની પાસેથી ખરીદી કરવા માટે આગ્રહ રાખી શકાશે નહીં, કે ફરજ પાડી શકાશે નહીં. અગાઉ કરવામાં આવેલી જોગવાઈઓનું ચુસ્તપણે પાલન થાય તે માટેની તકેદારી રાખી, તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને અંગત રસ લઈ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવા આદેશો આપી દેવામાં આવ્યા છે.