રિપોર્ટ@ખાણખનીજ: નદી પટમાં સાંજે તપાસ, 4 વાહનો મળ્યા, ડમ્પર ફરાર? પારદર્શક માપણી થશે તો હેવી દંડ આવશે

 
File photo
લીઝ મેળવી છતાં ગેરકાયદેસર રીતે રોકડી કરવા જોગવાઈ વિરુદ્ધ ખનન કરવાનો કારસો રચી રહ્યા છે રેતી ચોરો
અટલ સમાચાર ડોટ કોમ, પાટણ
હારિજ તાલુકામાં ફરી એકવાર ખાણખનીજની ટીમે આકસ્મિક તપાસ કરી હતી. જેમાં કેટલાક વાહનો રેતી ચોરી કરતાં ઝડપાઇ ગયા પરંતુ ખનીજ માટે ખાસ ગણાતું ડમ્પર શું ફરાર થઈ ગયું હશે ? આ સૌથી મોટો સવાલ સામે આવ્યો છે. ગત સાંજે થયેલી તપાસ બાદ રેતી ચોર ઈસમો વિરૂદ્ધ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જોકે અગાઉ પણ ખાખલ વિસ્તારમાં થયેલી રેડની જેમ સાચી માપણી થાય તો ચોંકાવનારો દંડ ઉભો થાય તેવી શક્યતા છે. એક એવી વાત પણ જાણમાં આવી કે, જે રીતે સાધનો જોવા મળ્યા અને ગેરકાયદેસર ખનન જોવામાં આવ્યું તે મુજબ એકદમ કડક રીતે રેતી ચોરીની માપણી થાય તો સરકારને મોટી વસૂલાત મળી શકે છે. જાણીએ સમગ્ર અહેવાલ....
પાટણ જિલ્લાના હારિજ તાલુકાના ખાખલ ગામ નજીકના નદી પટમાં અવારનવાર રેતી ચોરીની ઘટના સામે આવી રહી છે. જેમાં પાટણ ખાણખનીજની ટીમના ભાવિનભાઇ સહિતના કર્મચારીઓ ગત સાંજના સુમારે ખાખલ વિસ્તારમાં પહોંચ્યા હતા ત્યારે મસમોટી રેતી ચોરી પકડી લેવામાં આવી હતી. મળતી માહિતી મુજબ 2 મશીન અને 2 ટ્રેક્ટર સહિતના વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. જોકે રેતી ચોરીમાં સૌથી વધુ વપરાતું ડમ્પર રેઈડ દરમ્યાન શું ફરાર થઈ ગયું હતું ? સવાલ સાથેની ચર્ચાએ જોર પકડ્યું છે. રેતી ચોરી પકડ્યા બાદ પાટણ ખાણખનીજની ટીમે હારીજ પોલીસ સ્ટેશને વાહનો મૂકાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ રેતી ચોરી મામલે જીતુભાઇ નામના વ્યક્તિના પિતાની લીઝ હોવાનું અને મર્યાદા જોગવાઈ વિરુદ્ધનું ખનન કર્યાની લોકચર્ચા છે. આથી જો રેતી ચોરીના સ્થળની આસપાસનું તમામ ગેરકાયદેસર ખનનની તટસ્થ તપાસ થાય તો સરેરાશ 50 લાખનો દંડ ઉભો થાય તેવી પ્રબળ સંભાવના છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, હારિજના ખાખલ નદી પટમાં અને નજીકના બનાસકાંઠા જિલ્લાના પટમાં લીઝો છે પરંતુ લીઝમાં જોગવાઈ મુજબ ખનનને બદલે રેતી ચોરો મોટો નફો કમાવા ગેરકાયદેસર ખનન કરી સરકારને નુકસાન આપી રહ્યા છે. હવે જ્યારે ખાણખનીજની ટીમ ઘટના સ્થળના નદી પટમાં ઠેર ઠેર અનઅધિકૃત ખનન શોધી કાયદેસરની અને સંપૂર્ણ પારદર્શક માપણી કરી રિપોર્ટ કરે તો *હેવી દંડ* નિકળી શકે છે. આ સમગ્ર ઘટનાક્રમની વિગતો મેળવતાં સૌથી મોટી વાત અને નિર્ણય પારદર્શક માપણી ઉપર આવે તેમ છે. સ્થાનિક લોકોની અપેક્ષા અને લોકલાગણી છે કે, ગાંધીનગરની એક ટીમ સાથે રાખીને રેતી ચોરીની માપણી કરવામાં આવે તો રાજ્ય સરકાર માટે ખૂબ મહત્વપૂર્ણ બની શકે છે.