ઘટના@ગુજરાત: ખેરાલુ હાઈવે પર ગંભીર અકસ્માત, બસ અને ઇકો ગાડી વચ્ચે ટક્કર, બેનાં મોત 6 ઇજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મહેસાણા જિલ્લાના સતલાસણા-ખેરાલુ હાઈવે પર સંભવનાથ મંદિર નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં એક સરકારી બસ અને ઇકો ગાડી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય છ લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત જૂના તારંગા રેલવે સ્ટેશન અને સંભવનાથ મહાદેવ પાસે આજે સવારે બન્યો હતો.
અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો મદદ માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે ઇકો ગાડીમાં ઘાયલ થયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. સરકારી બસ અંબાજીથી રાજપીપળા તરફ જઈ રહી હતી, જ્યારે ઇકો ગાડી વડોદરાથી આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. ખેરાલુથી સતલાસણા સુધી નવા હાઈવેનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે જે ધીમી ગતિએ છે. હાઈવેની બાજુમાં સર્વિસ રોડ બનાવવા માટે ખાડા ખોદવામાં આવ્યા છે અને રોડ પણ તૂટેલો છે. જેના કારણે આ વિસ્તારમાં વારંવાર અકસ્માતો બનતા રહે છે.