ઘટના@પાંથાવાડા: ખેતરમાં ટાવર ઉભો કરી આવકની લાલચ આપી, કોરા ચેક લઈ છેતર્યા, 3 વિરુદ્ધ ફરિયાદ

અટલ સમાચાર ડોટ કોમ, પાંથાવાડા કોરોના વચ્ચે પાંથાવાડાના ખેડૂતને ખેતરમાં મોબાઇલ ટાવર નાંખવાની લાલચ આપી છેતરપિંડી આચર્યાની ઘટના સામે આવી છે. પંથકના ઈસમોએ ખેતરમાં મોબાઇલ ટાવર ઉભો કરશો તો મહિને ભાડા પેટે લાખ રૂપિયાની આવક થશે તેવો વિશ્વાસ આપ્યો હતો. જે બાદમાં કાગળો કરાવી ખેડૂતની સહી લઈ કોરા ચેક મેળવી લીધા હતા. જોકે ઈસમોએ ખેડૂતની
 
ઘટના@પાંથાવાડા: ખેતરમાં ટાવર ઉભો કરી આવકની લાલચ આપી, કોરા ચેક લઈ છેતર્યા, 3 વિરુદ્ધ ફરિયાદ

અટલ સમાચાર ડોટ કોમ, પાંથાવાડા

કોરોના વચ્ચે પાંથાવાડાના ખેડૂતને ખેતરમાં મોબાઇલ ટાવર નાંખવાની લાલચ આપી છેતરપિંડી આચર્યાની ઘટના સામે આવી છે. પંથકના ઈસમોએ ખેતરમાં મોબાઇલ ટાવર ઉભો કરશો તો મહિને ભાડા પેટે લાખ રૂપિયાની આવક થશે તેવો વિશ્વાસ આપ્યો હતો. જે બાદમાં કાગળો કરાવી ખેડૂતની સહી લઈ કોરા ચેક મેળવી લીધા હતા. જોકે ઈસમોએ ખેડૂતની જાણ બહાર તેમની મિલકત પચાવી પાડવા ચેક બેંકમાં જમા કરાવતા ચાલુ કરી રિટર્ન થયો હતો. જેની જાણ નોટિસ દ્વારા ખેડૂતને થતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. જેને લઇ પિડીત ખેડૂતે ત્રણ ઈસમ વિરુદ્ધ પાંથાવાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડામાં ખેડૂત સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે. હરીભાઇ જેઠાભાઇ ગુડોલ ( ચૌધરી ) ઉ.વ. 48 ખેતી કરી ગુજરાન ચલાવે છે. તેમની ખેતીની જમીન પાંથાવાડા સીમમાં ધનિથાવાડા જતા માર્ગ ઉપર આવેલ છે. તેમને બારેક મહિના અગાઉ ખેડૂત બાબુભાઇ છોગારામ ચૌધરી સાથે પરિચય થયો હતો. જે બાદમાં બાબુભાઇએ આવક સંદર્ભે હરિભાઇને જણાવેલ કે, તમારા ખેતરમાં મોબાઇલ ટાવર ઉભો થાય તો માસિક લાખ રૂપિયા જેટલુ ભાડું મળી શકે છે. જેથી ખેડૂત હરિભાઇએ પોતાના ભાઇ તેમજ ઘરનાં સભ્યોને વાત કરતાં સંમત થતાં ટાવર લગાવવાની વાત આગળ વધારી હતી.

આ દરમ્યાન ટાવર ઉભો કરાવવા તલપાપડ બાબુભાઇએ જમીન માલિક હરિભાઇને એવું કહ્યું હતું કે, તમારા ખાતામાં 10-15 લાખનો વ્યવહાર થયેલ હશે તો મોબાઇલ કંપની તાત્કાલીક ટાવર ઉભો કરી દેશે. જેથી ખેડૂત હરિભાઇએ પૈસાની સગવડ ન હોવાનું કહેતાં બાબુભાઈએ કહેલ કે, પૈસા હું ભરીશ પણ ભાડાનો અડધો ભાગ મારો રહેશે. જેથી ખેડૂત અને પરિજનો સહિતના સંમત થયા હતા. જેના ભાગરૂપે કેટલાક દિવસ પછી ટાવર ઉભો કરી આવકની લાલચ આપનાર ઈસમોએ ધાનેરા સ્થિત HDFC બેંકમાં ખેડૂતનું ખાતું ખોલાવ્યું હતું. આ ખાતામાં અલગ અલગ સમયે રૂપિયા સાડા અગિયાર લાખ જમા કર્યા બાદ ખેડૂતે ત્રણ ચેક દ્રારા ઉપાડી ટાવરની લાલચ આપનાર ઈસમને આપેલા હતા. આ પછી ખેડૂતને રાજસ્થાન બોલાવી હિન્દી ભાષાનાં લખાણમાં સહી કરાવી દીધી હતી. જે બાદમાં બાબુભાઇ તથા જયેશભાઇ અને તેમના ભાઈ વિહાભાઈને તા.10-03-2021ના રોજ દાંતીવાડા લઇ ગયેલા અને ૨જીસ્ટ્રાર ઓફિસમાં કુલમુખત્યારનામુ કરાવી દીધું હતું. આ દરમ્યાન બાબુભાઇએ અગાઉથી ખેડૂત પાસેથી કોરા પરંતુ સહીવાળા સાત ચેક મેળવી લીધા હતાં. જે બાદમાં ઈસમોએ રૂપિયા અગિયાર લાખ માંગતા ખેડૂતે કહેલ કે, મારી પાસે હાલમાં કોઇ પૈસા નથી. જેથી ઈસમોએ કહેલ કે તમો મને પૈસા નહિ આપો તો તમારા કોરા કાગળમાં મે સહીઓ લીધી છે અને ચેક પણ લીધાં છે. જેનાથી હું તમારી જમીન અમારા નામે કરાવી દઇશ તેવો ડર બતાવ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ખેડૂતના ચેક ટાવરની લાલચ આપનાર ઈસમો પાસે હોવાથી બે ચેક ખેડૂતનાં ખાતામાંથી ઉપાડવા દોડધામ કરી હતી. જોકે ખેડૂતના ખાતામાં બેલેન્સ ન હોઈ ચેક રીટર્ન થયા હતા. જેથી ખેડૂત ઉપર ઉપર નોટીસ આવતાં જાણકારી મેળવતાં ભાવેશભાઇ છોગારામ કણબી રહે.કમોકાબાડા (રાજ) વાળાના નામથી ચેક જમા થયાનુ સામે આવ્યું હતું. સમગ્ર મામલે ખેડૂત હરિભાઇએ આખરે બાબુભાઇ છોગારામ ચૌધરી તથા જયેશકુમાર વૈવરામ બાપજી તેમજ ભાવેશભાઇ છોગારામ કણબી તમામ ૨હે.કમોકાવાડા તા.સમદડી (રાજ)વાળાઓ વિરુદ્ધ ખેતરમાં મોબાઇલ ટાવર ઉભો કરાવવાની લાલચ આપી કોરા ચેક મેળવી બદ ઈરાદે મિલ્કત પડાવવા કાગળોમાં સહી લઇ છેતરપીંડી વિશ્વાસધાત કર્યાની ફરીયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે પાંથાવાડા પોલીસે ત્રણેય ઈસમો સામે આઈપીસી કલમ 406, 420, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.