આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

વિરમગામ નજીક માંડલ તાલુકા પંચાયતના બહુ ગાજેલા કૌભાંડ મુદ્દે આજે ચોંકાવનારી કાર્યવાહી સામે આવી છે. બનાવટી કાગળો ઉભા કરી અધધધ… 63 લાખની ઉચાપત કરનાર તત્કાલીન હિસાબી અધિકારી વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. જેમાં તત્કાલીન ટીડીઓ, શિક્ષણાધિકારી અને નાયબ હિસાબનીશ સહિતનાએ એકબીજાનાં મેળાપીપણામાં કૌભાંડ કર્યાનો ફરિયાદમાં ઘટસ્ફોટ થયો છે. વિરમગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ નાણાંકીય વર્ષ 2017-18 દરમ્યાન થયેલી ગેરરીતિ મુદ્દે માંડલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. અગાઉથી સસ્પેન્ડ નાયબ હિસાબનીશ સામે ફરિયાદ દાખલ થતાં તત્કાલીન કર્મચારી અને અધિકારીઓ હરકતમાં આવ્યા છે.

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકા પંચાયતના (અ-)પારદર્શક વહીવટનો આજે મોટો ઘટસ્ફોટ થયો છે. તાલુકા પંચાયતના નાણાંકીય વર્ષ 2017-18 દરમ્યાન નાયબ હિસાબનીશ રાજેશ રામીએ સંબંધિત કામનાં બિલમાં દર્શાવેલ નામ સિવાય મળતિયાઓના નામના બનાવટી દસ્તાવેજો ઉભા કરી ખોટા ચેકો તથા વાઉચરો બનાવ્યાં હતા. નાયબ હિસાબનીશે ખુદ પોતાના નામના ચેકો બનાવી પોતાનાં ખાતામાં જમા કરાવ્યાં હતા. સદર બીલો માટે એક હુકમ થયા છતાં બીજા મંજૂર કરી તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી, તત્કાલીન તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિતનાએ પોતાનાં હોદ્દાનો દૂરૂપયોગ કરી ગંભીર પ્રકારની સરકારી નાણાંકીય ઉચાપત કર્યાનું સામે આવ્યું છે. ફરજમાં ગંભીર પ્રકારની બેદરકારી અને નિષ્કાળજી દાખવી કુલ રૂ. 63,01,733ની ઠગાઈ કર્યાની પોલીસ ફરિયાદ દાખલ થતાં ખળભળાટ મચી ગયો છે.

તત્કાલીન ટીડીઓ, ટીપીઇઓ અને નાયબ હિસાબનીશ સહિતનાએ એકબીજાનાં મેળાપીપણામાં પૂર્વ આયોજિત ગોઠવણ કરી કૌભાંડ આચર્યું હતુ. જેનું ઓડિટ થતાં જે ક્વેરી શોધવામાં આવી તેમા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. જેની સ્પેશ્યલ તપાસ કમિટી દ્વારા તપાસ કરવામાં આવતાં 63 લાખથી વધુ રકમની સરકારી નાણાંની ઉચાપત થયાનો પર્દાફાશ થયો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, નિવૃત શિક્ષકોને રજા પગારનું અગાઉ ચૂકવણું થયેલ છતાં ફરીથી બીલ બનાવી રજા પગારનું રોકડમાં રૂપાંતર કર્યું હતું. આ સાથે મદદનીશ શિક્ષકોના હકદાવાના બીલમાં પણ ગોટાળા કરી ખોટાં કાગળોનો સાચાં તરીકે ઉપયોગ કરી લાગતાવળગતાના નામે ચેકો બનાવી ઉચાપત કરી હતી. જેની જે તે વખતે થયેલ કાર્યવાહીમાં તત્કાલીન નાયબ હિસાબનીશ રાજેશ રામીને સસ્પેન્ડ કર્યા હતા. આ પછી તપાસ રિપોર્ટ આવતાં અત્યાર સુધી થયેલ કાર્યવાહીને પગલે ફરિયાદ દાખલ કરવા હુકમ થયો હતો.

આથી માંડલ તાલુકાના ઈન્ચાર્જ પ્રાથમિક શિક્ષણાધિકારી હિતેન્દ્ર સોલંકીએ તત્કાલીન નાયબ હિસાબનીશ વિરુદ્ધ માંડલ પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં આરોપી નાયબ હિસાબનીશ તેમજ ફરિયાદની વિગતોમાં તત્કાલીન ટીડીઓ અને ટીપીઈઓ સહિતનાએ પણ કૌભાંડમાં ભૂમિકા આપી હોવાનો ઉલ્લેખ કરાવતાં ચકચાર મચી ગઇ છે. માંડલ પોલીસે આઇપીસી 406, 409, 420, 467, 468, 470, 471 આધારે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code