અપડેટ@પાકિસ્તાન: બલુચિસ્તાનના ક્વેટામાં રેલવે ટ્રેક પાસે આત્મઘાતી હુમલો, 24 લોકોના મોત, 82 ઘાયલ, જાણો સમગ્ર ઘટના વિશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બલુચિસ્તાનના ક્વેટામાં રેલવે ટ્રેક પાસે આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો છે. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના ક્વેટા શહેરમાં રવિવારે ચમન ફાટક પાસે રેલવે ટ્રેક નજીક આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો, જેની ઝપેટમાં જાફર એક્સપ્રેસ આવી ગઈ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 24 લોકોના મોત થયા છે, જ્યારે 80થી વધુ ઘાયલ થયા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આત્મઘાતી હુમલા સમયે ટ્રેન ક્વેટા કેન્ટ તરફ જઈ રહી હતી. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ટ્રેનના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અને વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ.
વિસ્ફોટ બાદ રેલવે ટ્રેક પાસે આગ લાગી ગઈ. ફાયર બ્રિગેડ, પોલીસ, રેસ્ક્યુ ટીમ અને સુરક્ષા દળો તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા અને રાહત-બચાવ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
પોલીસે જણાવ્યું કે વિસ્ફોટની અસરથી આસપાસની ઇમારતોની બારીઓના કાચ પણ તૂટી ગયા. સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને વિસ્ફોટના કારણની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
બલુચિસ્તાન સરકારના ગૃહ મામલાના વિશેષ સહાયક બાબર યુસુફઝઈએ જણાવ્યું કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને તમામ સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. તેમણે લોકોને ઘટનાસ્થળની આસપાસ ભીડ ન કરવા અપીલ કરી હતી.
હાલમાં કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી, પરંતુ સુરક્ષા એજન્સીઓ તેને આતંકવાદી હુમલો માનીને તપાસ કરી રહી છે.
જાફર એક્સપ્રેસ પાકિસ્તાન રેલવેની લાંબા અંતરની એક મુખ્ય પેસેન્જર ટ્રેન છે. આ ટ્રેન બલુચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટાને પાકિસ્તાનના મોટા શહેરો સાથે જોડે છે.
આ બલુચિસ્તાન સહિત ઘણા સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થાય છે. હાલના વર્ષોમાં બલુચિસ્તાનમાં રેલવે ટ્રેક, સુરક્ષા દળો અને સરકારી ઠેકાણાઓ પર ઘણા મોટા હુમલા થયા છે.
આ ટ્રેન જે વિસ્તારોમાંથી પસાર થાય છે ત્યાં બલૂચ લિબરેશન આર્મીનું વર્ચસ્વ છે, આ કારણે આ ટ્રેનને ઘણી વખત નિશાન બનાવવામાં આવી છે. ગયા વર્ષે BLAએ જાફર એક્સપ્રેસને હાઈજેક કરી લીધી હતી. ત્યારે BLAએ 214 મુસાફરોને બંધક બનાવવાની અને 30 સૈનિકોની હત્યા કરવાની વાત કહી હતી.

