આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા, પાટણ, કાંકરેજ, ડીસા, સાબરકાંઠા

સોમવારથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે રાજ્યભરના વાતાવરણમાં પલટો નોંધાયો છે. ત્યારે મંગળવારે પણ આ સ્થિતિ યથાવત જેવી જ છે. એક તરફ, લોકોને ગરમીમાંથી રાહત મળી છે, તો બીજી તરફ ખેડૂતો માટે આ વાતાવરણ મોટુ નુકશાન લઈને આવ્યું છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદને પગલે ખેતરનો પાક તથા કેરીઓને નુકશાન થવાની ભીતિ છે. તો હવામાનના પલટાને કારણે તાપમાનમાં સીધો જ 4 થી 6 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે. જેને કારણે લોકો ઠંડક અનુભવી રહ્યાં છે

ઉત્તર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાતાવરણમાં અચાનક બદલાવ જોવા મળ્યો હતો. આકાશમાં વાદળ સાથે જ ધુંધળુ વાતાવરણ રહ્યું. જ્યારે પવન સાથે ધુળની ડમરી પણ ઊડી હતી. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો હતો.

પાટણ જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ વળ્યા હતા. વાતાવરણમાં પલ્ટો આવતા જિલ્લાના સમી, ચાણસ્મા અને રાઘનપુરમાં વરસાદી છાંટા પડ્યા હતા. તો બીજી તરફ, ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો પરેશાન થયા હતા. વરસાદી છાંટા પડતા આ વિસ્તારમાં કરાતા બાજરી તેમજ ઘઉંના પાકના વાવેતરને નુકસાન થઈ શકે છે.

અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ વરસી પડ્યો હતો. રાત્રિ દરમિયાન જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી પડ્યો હતો. એટલું જ નહિ, ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. વાતાવરણના આ પલટાને કારણે ગરમીથી રાહત મળી, પણ અરવલ્લીના ખેડૂતો પરેશાન થયા હતા.

બનાસકાંઠા જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો. વહેલી સવારમાં જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. વાતાવરણમાં પલ્ટો આવતા જિલ્લાના કાંકરેજ વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા છે. ભારે પવન સાથે ધુળની ડમરીઓ ઉડતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો પરેશાન થયા હતા.

સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવતા સામાન્ય જનજીવન પર માઠી અસર પડી છે. ધુળિયા વાતાવરણ સાથે આકાશ વાદળછાયું હોવાથી વિઝિબિલીટી ઓછી થઈ હતી. ત્યારે મોડી રાત્રે જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદના છાંટા પડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ચોમાસાને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે કે, આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. આ વખતે 96 ટકા વરસાદ પડવાની સંભાવના છે. સમગ્ર દેશમાં જૂનથી ઓગસ્ટ વચ્ચે 96 ટકા વરસાદ પડશે. 96 ટકા વરસાદને લઇને ખેડૂતો માટે આ વર્ષ સારું રહેશે. આ વખતે અલનીનોની અસર નબળી પડવાની સંભાવના છે. હવામાન વિભાગ હવે મે મહિનાના અંતમાં નવી આગાહી કરશે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code