પાટણઃ જિલ્લા ખેતીવાડી વિભાગ, બાગાયત અને પશુપાલન વિભાગ દ્વારા મહિલા કૃષિ દિવસની ઉજવણી

અટલ સમાચાર, પાટણ પાટણ ખાતે યોજાયેલી મહિલા કૃષિ શિબીરમાં ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિના ઉપયોગ દ્વારા કૃષિ વિકાસ પર માર્ગદર્શન અપાયું રાજ્યભરમાં થઈ રહેલી મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે પાટણ ખાતે જિલ્લા ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગ, પશુપાલન વિભાગ, આત્મા પ્રોજેક્ટ તથા સંલગ્ન સંસ્થાઓ દ્વારા મહિલા કૃષિ દિવસની ઉજવણી નિમિત્તે જિલ્લા કક્ષાની તાલીમ શિબીર યોજવામાં આવી
 
પાટણઃ જિલ્લા ખેતીવાડી વિભાગ, બાગાયત અને પશુપાલન વિભાગ દ્વારા મહિલા કૃષિ દિવસની ઉજવણી

અટલ સમાચાર, પાટણ

પાટણ ખાતે યોજાયેલી મહિલા કૃષિ શિબીરમાં ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિના ઉપયોગ દ્વારા કૃષિ વિકાસ પર માર્ગદર્શન અપાયું રાજ્યભરમાં થઈ રહેલી મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે પાટણ ખાતે જિલ્લા ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગ, પશુપાલન વિભાગ, આત્મા પ્રોજેક્ટ તથા સંલગ્ન સંસ્થાઓ દ્વારા મહિલા કૃષિ દિવસની ઉજવણી નિમિત્તે જિલ્લા કક્ષાની તાલીમ શિબીર યોજવામાં આવી હતી. કેન્દ્રીય સચિવ રીના સિંહા પુરીના અધ્યક્ષસ્થાને યોજાયેલી તાલીમ શિબીરમાં ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટીંગના ડાયરેક્ટર ગીરીશ ચંદ્ર એરોન, ટેક્નિકલ ઓફિસર નરેશ પોરવાલ ઉપસ્થિત રહ્યા હતા.

જળશક્તિ અભિયાન અંતર્ગત ભારત સરકારના નોડલ ઓફિસર જોઈન્ટ સેક્રેટરી રીના એસ. પુરી તથા તેમની ટીમ પાટણ જિલ્લાની ત્રણ દિવસની મુલાકાતે છે ત્યારે મહિલા કૃષિ દિવસની ઉજવણીના ભાગરૂપે પાટણ ખાતે યોજાયેલી મહિલા તાલીમ શિબીરમાં કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલી મહિલાઓ સાથે જરૂરી ચર્ચા કરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

સચિવ રીના સિંહા પુરીએ જણાવ્યું કે, ટકાઉ ખેતીના વિકાસ માટે ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિના ઉપયોગ દ્વારા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવાની સાથે ઉત્પાદનમાં વધારો કરી શકાય છે. ડ્રોપ ઈરિગેશન અને સ્પ્રિંકલ સીસ્ટમ જેવા સાધનો દ્વારા ખેતી થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સબસીડી ઉપરાંત વિવિધ લાભો આપવામાં આવે છે ત્યારે આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી પાણીની બચત કરી શકાય છે.

સચિવ રીના સિંહા પુરીએ વધુમાં જણાવ્યું કે, મહિલાઓએ ઘર વપરાશમાં પાણીના કરકસરયુક્ત ઉપયોગ, કૃષિમાં પાણીના કાર્યક્ષમ ઉપયોગ અને ઘર આંગણે સોકપીટ દ્વારા વરસાદી પાણીના સંચય માટે જાગૃત થવું પડશે. મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી થઈ રહી છે ત્યારે ઘરની સાથે સાથે ખેતી-પશુપાલનની સાથે સાથે જળસંચય માટે નેતૃત્વ લેવુ પડશે. સહકારની ભાવનાથી જળસંચય કરવામાં આવશે તો ભુગર્ભ જળસ્તરને ઉંચુ લાવવામાં સફળતા મળશે.

ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટીંગના ડાયરેક્ટર જગદિશ ઍરૉન દ્વારા જિલ્લામાં યોજાયેલા 119થી વધુ કૃષિમેળાઓ માટે તંત્રને અભિનંદન આપતાં જણાવ્યું કે, અત્યાર સુધી પાણીના બેફામ ઉપયોગના પરિણામે જળસ્તરમાં ચિંતાજનક ઘટાડો થયો છે તેને નાથવાનો એકમાત્ર ઉપાય જળસંચય છે.

ટેક્નિકલ ઓફિસર નરેશ પોરવાલે વૃક્ષોના વાવેતર પર ભાર મુકતા જણાવ્યું કે, ખેતરના શેઢા-પાળા પર ઓછા પાણીના ઉપયોગથી વિકાસ પામતા વૃક્ષો વાવવા જોઈએ. કૃષિપાકોને આપવામાં આવતા પાણીથી ઉછરી શકે તેવા બાગાયતી પાકો લઈ પાણીના કાર્યક્ષમ ઉપયોગ દ્વારા આવકમાં વૃદ્ધિ અને ગ્રીન કવર વધારવામાં મદદરૂપ થશે.

કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર ડૉ.ઉપેશ કુમાર દ્વારા કેન્દ્રીય ટીમના અધિકારી ઓને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજવામાં આવતા કૃષિ મેળા, તેમાં આપવામાં આવતી તાલીમ તથા સરકારની વિવિધ યોજનાઓ માટે આપવામાં આવતા માર્ગદર્શન વિષે અવગત કરી રૂફટૉપ વોટર હાર્વેસ્ટીંગ માટે ઘરેલુ સાધનોના ઉપયોગ દ્વારા તૈયાર કરેલા મોડેલનું નિદર્શન કર્યું હતું.

સૂક્ષ્મ પિયત પદ્ધતિના પ્રચાર-પ્રસાર અને સંલગ્ન સેવાઓ આપતી ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપનીના અધિકારીશ્રીએ ટપક સિંચાઈ પદ્ધતિ અને સ્પ્રિંકલ સિસ્ટમ દ્વારા ખેતી કરી પાણીની બચત, પાકને જરૂરી પોષણ, ખાતરના ન્યુનત્તમ ઉપયોગ અને મજૂરી ખર્ચમાં બચત જેવા વિવિધ મુદ્દાઓ વિષે અવગત કરાવી ટપક સિંચાઈ પદ્ધતિ અને સ્પ્રિંકલ સિસ્ટમ માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સબસીડી તથા વિવિધ યોજનાઓ હેઠળ આપવામાં આવતી સહાય અંગે માહિતગાર કર્યા હતા.

આ કાર્યક્રમનું સંચાલન જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા બાગાયત અધિકારી મુકેશભાઈ ગલવાડિયા, પશુપાલન વિભાગના નાયબ નિયામક ડૉ.ઍમ.ઍ.ગામી, આત્મા પ્રોજેક્ટના પ્રોગ્રામ ડાયરેક્ટર મયુરભાઈ પટેલ સંલગ્ન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.