ધાર્મિકઃ આજે નવરાત્રીના પ્રથમ નોરતે માં શૈલપુત્રીની કરો પૂજા અર્ચના

અટલ સમાચાર, ડેસ્ક આજથી માતાની આરાધનાનું પર્વ નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. આ વર્ષે નવરાત્રિ ખુબ જ કલ્યાણકારી છે. આ વખતે નવરાત્રિ પર ખુબજ સારા સંયોગ રચાઇ રહ્યા છે. પ્રથમ નોરતે મા શૈલપુત્રીનું પૂજન અર્ચન કરાશે. તેમની પૂજાથી જીવનમાં અપાર સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. નવરાત્રિથી વાતાવરણમાંથી અંધકારનો અંત થાય છે, અને સાત્વિકતાની શરૂઆત થાય
 
ધાર્મિકઃ આજે નવરાત્રીના પ્રથમ નોરતે માં શૈલપુત્રીની કરો પૂજા અર્ચના

અટલ સમાચાર, ડેસ્ક

આજથી માતાની આરાધનાનું પર્વ નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. આ વર્ષે નવરાત્રિ ખુબ જ કલ્યાણકારી છે. આ વખતે નવરાત્રિ પર ખુબજ સારા સંયોગ રચાઇ રહ્યા છે. પ્રથમ નોરતે મા શૈલપુત્રીનું પૂજન અર્ચન કરાશે. તેમની પૂજાથી જીવનમાં અપાર સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. નવરાત્રિથી વાતાવરણમાંથી અંધકારનો અંત થાય છે, અને સાત્વિકતાની શરૂઆત થાય છે. મનમાં ઉલ્લાસ, ઉમંગ અને ઉત્સાહની વૃદ્ધિ થાય છે. દુનિયામાં તમામ શક્તિ નારી કે સ્ત્રી સ્વરૂપ પાસે છે. તેથી આ દિવસોમાં દેવીની ઉપાસના કરવામાં આવે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નવરાત્રિમાં ક્યારે થશે કોની પૂજા?
પ્રથમ નોરતુ 17 ઓક્ટોબર શનિવાર માં શૈલપુત્રીની પૂજા ઘટસ્થાપન
બીજુ નોરતુ 18 ઓક્ટોબર રવિવાર માં બ્રહ્મચારિણીની પૂજા
ત્રીજુ નોરતુ 19 ઓક્ટોબર સોમવાર માં ચંદ્રઘંટાની પૂજા
ચોથુ નોરતુ 20 ઓક્ટોબર મંગળવાર માં કુષ્માંડાની પૂજા
પાંચમુ નોરતુ 21 ઓક્ટોબર બુધવાર માં સ્કંદમાતાની પૂજા
છઠ્ઠુ નોરતુ 22 ઓક્ટોબર ગુરૂવાર માં કાત્યાયની પૂજા
સાતમુ નોરતુ 23 ઓક્ટોબર શુક્રવાર માં કાલરાત્રિની પૂજા
આઠમુ નોરતુ 24 ઓક્ટોબર શનિવાર માં મહાગૌરીની પૂજા (મહા અષ્ટમી,મહા નવમી પૂજા)
નવમું નોરતુ 25 ઓક્ટોબર રવિવાર માં સિદ્ધિદાત્રીની પૂજા
25 ઓક્ટોબર સોમવારે દુર્ગા વિસર્જન, દશેરા

ઘટ સ્થાપન મુહૂર્ત
આપણે નવરાત્રિના દિવસે ગરબો લાવીને તેની સ્થાપના ઘરના પૂજાઘરમાં કરતાં હોઇએ છીએ. કળશ સ્થાપનનું વિશેષ મહત્વ હોય છે. કળશ સ્થાપનાને ઘટ સ્થાપન પણ કહેવામાં આવે છે. નવરાત્રિનો પ્રારંભ ઘટ સ્થાપનાથી થાય છે. ઘટ સ્થાપનામાં દેવી શક્તિનું આહ્વાન કરવાનું હોય છે, પરંતુ ખોટાં મુહૂર્તમાં તેનું સ્થાપન ન કરવું જોઇએ.

આ વર્ષે ઘટ સ્થાપનાનું મુહૂર્ત તારીખ 17ની સવારે 8.05થી 9.31 સુધી છે, ત્યારબાદ સાંજે 6.11થી લઇને 7.44 સુધી છે. તમે આ સમયગાળામાં ઘરમાં વાજતેગાજતે ઘટ લાવીને તેની સ્થાપના કરી શકો છો.

ઘટ સ્થાપન માટે સામગ્રી

મા દુર્ગાને લાલ રંગ ખાસ પસંદ છે, માટે લાલ રંગનું એક નવું, ન વપરાયેલું આસન, કળશ સ્થાપન માટે માટીનું પાત્ર, જવ, માટી, પાણી, ઇલાયચી, લવિંગ, કપૂર, સોપારી, ચોખા, સિક્કા, આંબાનાં પાંચ પાન, નારિયેળ, ચૂંદડી, સિંદૂર, ફળ, ફૂલ, ફૂલનો હાર, શૃંગાર અને એક ગરબો.

કળશ સ્થાપન વિધિ

નવરાત્રિના પહેલા દિવસે સવારે સ્નાન કરી, ઘરના પૂજાસ્થાનની સાફસફાઇ કરી લેવી, સફાઇ થઇ ગયા બાદ સૌથી પહેલાં ગણેશજીનું નામ લેવું, ત્યારબાદ મા દુર્ગાના નામથી અખંડ દીવો પ્રગટાવવો, કળશ સ્થાપના કરતાં પહેલાં માટીના વાસણમાં અથવા તો નીચે જમીન ઉપર માટી નાખીને તેની અંદર જવ વાવી દો. આ માટી તમે ૐ આકારમાં કે સ્વસ્તિકના આકારમાં પણ પાથરી શકો છો. જેને જમીન ઉપર જવારા ન ઉગાડવા હોય તે માટીના મોટા વાસણમાં જવારા ઉગાડતા હોય છે.

જવારા ઉગાડયા બાદ તાંબાના લોટા ઉપર કુમકુમથી સ્વસ્તિક બનાવો, લોટાના ઉપરના ભાગમાં નાડાછડી બાંધી દો, હવે તે લોટામાં પાણી ભરીને પાંચ ટીપાં ગંગાજળનાં ઉમેરો, ત્યારબાદ તેમાં સવા રૂપિયો, સોપારી, દૂધ, અત્તર અને તુલસીનું પાન નાખવું. ત્યારબાદ તેની ઉપર શ્રીફળ કે લીલા નાળિયેરને લાલ કપડાંથી વીંટીને તેની આજુબાજુમાં પાંચ આંબાનાં પાન ગોઠવી દો.

હવે તે કળશને જવારા વાવ્યા હોય તેની બરાબર વચ્ચોવચ રાખી દો. કળશ સ્થાપનની સાથે સાથે જ નવરાત્રિના વ્રતનો પ્રારંભ થશે. ઘરના જે સભ્યો નવરાત્રિનું વ્રત કરતાં હશે તેમણે તે સમયથી ઉપવાસ કે ફળાહાર ઉપર આગામી નવ દિવસ માટે રહેવાનું થશે. કળશ સ્થાપન સમયે જે અખંડ દીવો કર્યો હોય તેનું સમયાંતરે ધ્યાન રાખવું જરૂરી છે કે તે દીવો ઓલવાઇ ન જાય.

માં શૈલપુત્રીનો બીજ મંત્ર
માં શૈલપુત્રીનો મંત્ર- હ્રીં શિવાયૈ નમ: ।

કરો આ સંકલ્પ
પ્રથમ દિવસના ઉપવાસ દરમિયાન નવ દિવસના ઉપવાસનો સંકલ્પ લેવો અને માતાને પ્રાર્થના કરવી – હે માતા, હુ મારી શક્તિ અને ભક્તિ મુજબ ઉપવાસ કરીશ, જો કોઈ ભૂલ થઈ જાય તો તારી સંતાન સમજીને માફ કરી દેજો.