સેટિંગ્સ@યુનિવર્સિટી: બી.એડ કોલેજોમાં પ્રવેશ મામલે વિદ્યાર્થીઓ સામે રમત

અટલ સમાચાર, મહેસાણા પાટણ સ્થિત ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ અભ્યાસક્રમ માટે ઓનલાઇન પ્રવેશ શરૂ થઇ ગયો છે. જેમાં બી.એડમાં ઓનલાઇન પ્રવેશ નામ પુરતો હોવાનું સામે આવ્યુ છે. જે તે કોલેજમાં પ્રવેશ મેળવવા ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ યુનિવર્સિટી ૭૦ ટકા વિદ્યાર્થીઓને પસંદગીથી વિરૂધ્ધ એડમિશનની ભલામણ કરે છે. આથી વિદ્યાર્થીઓ અનુકુળતા મુજબ જે તે કોલેજમાં પ્રવેશ
 
સેટિંગ્સ@યુનિવર્સિટી: બી.એડ કોલેજોમાં પ્રવેશ મામલે વિદ્યાર્થીઓ સામે રમત

અટલ સમાચાર, મહેસાણા

પાટણ સ્થિત ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ અભ્યાસક્રમ માટે ઓનલાઇન પ્રવેશ શરૂ થઇ ગયો છે. જેમાં બી.એડમાં ઓનલાઇન પ્રવેશ નામ પુરતો હોવાનું સામે આવ્યુ છે. જે તે કોલેજમાં પ્રવેશ મેળવવા ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ યુનિવર્સિટી ૭૦ ટકા વિદ્યાર્થીઓને પસંદગીથી વિરૂધ્ધ એડમિશનની ભલામણ કરે છે. આથી વિદ્યાર્થીઓ અનુકુળતા મુજબ જે તે કોલેજમાં પ્રવેશ મેળવી લે છે. આ સાથે ગમે ત્યારે ગમે તે કોલેજમાં પ્રવેશ અટકી જતો હોઇ વિદ્યાર્થીઓ સાથે ખેલ થઇ જાય છે.

બી.એડના વિદ્યાર્થીઓની કારકિર્દી, સમય અને નાણાં સાથે મોટી ગેમ ચાલી રહી હોવાની આશંકા કરતી બાબતો સામે આવી છે. યુનિવર્સિટી અને બી.એડ કોલેજના સંચાલકો વચ્ચે ચાલતી વહીવટી અને તે સિવાયની ગતિવિધિની મોટી અસર વિદ્યાર્થીઓ ઉપર થઇ રહી છે. યુનિવર્સિટી દર વર્ષે ઓનલાઇન પ્રવેશ દ્વારા પારદર્શકતાનો દાવો કરે છે. જોકે, હકીકત સામે આવી કે ૭૦ ટકાથી વધુ એડમિશન ઓનલાઇન સીટ ફાળવણીથી વિરૂધ્ધ થાય છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, બી.એડ કોલેજોને એનસીટીઇ શિક્ષા કરે ત્યારે યુનિવર્સિટી અજાણ રહે છે. આથી પ્રવેશ માટે કેન્સલ થતી કોલેજો સંબંધિત માહિતિ વિદ્યાર્થીઓ સુધી ખુબ જ વિલંબથી પહોંચે છે. આથી અનેક વખત વિદ્યાર્થી પસંદ કરેલી કોલેજ છેલ્લી ઘડીએ કેન્સલ થતી હોઇ દોડધામ મચી જાય છે. જેનાથી બી.એડ. કોલેજમાં પ્રવેશથી લઇ શિક્ષણ શરૂ થાય ત્યાં સુધી ભયંકર ઉચાટ રહે છે.

યુનિવર્સિટી ઓનલાઇન પ્રવેશમાં વિદ્યાર્થીઓની પસંદગીથી વિરૂધ્ધ કેમ જાય છે ?

ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દર વર્ષે ઓનલાઇન પ્રવેશ ફાળવે તે વિદ્યાર્થીઓની વિરૂધ્ધમાં જાય છે. આવુ કરવા પાછળ નાણાંનો મોટો ખેલ હોવાના સવાલો શિક્ષણ આલમમાં ઉભા થયા છે. બી.એડ. કયારેય એક્ષર્ટનલ તરીકે થઇ શકતુ ન હોવા છતાં વધુ ફી લઇ હાજરી નહી પુરાવવાની સગવડ કરી અપાય છે. જયારે યુનિવર્સિટીની એલઆઇસી આવે ત્યારે વિદ્યાર્થીઓને હાજર રહેવા આગલા દિવસે સુચિત કરી દેવાય છે.

એનસીટીઇ સામે યુનિવર્સિટી લાચાર બની

બી.એડ કોલેજોને વિવિધ બાબતે એનસીટીઇ શિક્ષા કરી વિવિધ પ્રકારની નોટીસ આપે છે. જોકે, આ નોટીસોની જાણ યુનિવર્સિટીને થતી નથી. આથી એનસીટીઇ સામે યુનિવર્સિટી લાચાર બની બી.એડ કોલેજોને પ્રવેશ બાબતે ખરાઇ કરાવવા ફરમાન કરે છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની કોલેજમાં પ્રવેશ મેળવી શકશે કે કેમ ? તે છેલ્લી ઘડી સુધી અધ્ધરતાલ રહે છે.

એજન્ટો કરાવી રહ્યા છે એડમિશન

સુત્રોએ જણાવ્યુ હતુ કે, બી.એડમાં ઓનલાઇન એડમિશન હોવા છતાં એજન્ટ પ્રથા ચાલી રહી છે. જે તે કોલેજના સંચાલકો સાથે એજન્ટો બેઠક કરી વિદ્યાર્થીઓની સંખ્યા અને ફી નકકી કરે છે. જેમાં નિયમોનુસાર ફી કાગળ ઉપર બતાવી બાકીની રકમ એજન્ટ અને સંબંધિત ઇસમોને કમિશન પેટે મળી રહી છે. છેલ્લા ચાર-પાંચ વર્ષથી બી.એડ અભ્યાસક્રમમાં તેજી હોવાથી સંચાલકો, એજન્ટો અને યુનિવર્સિટીના સત્તાધીશોને મજા પડી ગઇ છે.