સિધ્ધપુરઃ ગોગા મહારાજનું ઉત્પત્તિ સ્થાન અને મોક્ષપીપળાની કથાનું વર્ણન

અટલ સમાચાર, સિધ્ધપુર (હર્ષલ ઠાકર) હિન્દૂ સંસ્કૃતિમાં નાગ દેવતાનું પૂજનીય સ્થાન ગણાય છે. જો કે નાગ અને સાપની અનેક પ્રજાતિઓ હોય છે. પરંતુ તેમાં શેષ નાગને ભારતીય સંસ્કૃતિમાં પૂજાનું સ્થાન આપવામાં આવેલ છે. સમગ્ર ભારત ભરમાં ગોગા મતા હોય છે. ભારત ભરના મુખ્ય ત્રણ પવિત્ર પીપળામાનો એક મોક્ષ પીપળો અહીં આવેલો છે. આ સ્થાનક માટે
 
સિધ્ધપુરઃ ગોગા મહારાજનું ઉત્પત્તિ સ્થાન અને મોક્ષપીપળાની કથાનું વર્ણન

અટલ સમાચાર, સિધ્ધપુર (હર્ષલ ઠાકર)

હિન્દૂ સંસ્કૃતિમાં નાગ દેવતાનું પૂજનીય સ્થાન ગણાય છે. જો કે નાગ અને સાપની અનેક પ્રજાતિઓ હોય છે. પરંતુ તેમાં શેષ નાગને ભારતીય સંસ્કૃતિમાં પૂજાનું સ્થાન આપવામાં આવેલ છે. સમગ્ર ભારત ભરમાં ગોગા મતા હોય છે. ભારત ભરના મુખ્ય ત્રણ પવિત્ર પીપળામાનો એક મોક્ષ પીપળો અહીં આવેલો છે. આ સ્થાનક માટે એવું કહેવાય છે કે આ મોક્ષ પીપળાથી સ્વર્ગ એક વેંત જ છેટું છે જેનો વેદ પુરાણ તેમજ ધર્મગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સ્થાનકે દર મહિનાની પાંચમે તેમજ દર રવિવારે શ્રધ્ધાળુઓ પોતાની બાધા માનતા પૂરી કરવા આવે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ મોક્ષપીંપળો (પાસર પીંપળો) વૃકમૂલિકા તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે. સરસ્વતિ મહાત્મયમાં માર્કેન્ડેય મુનિએ સુમતી રાજાને આ તીર્થનુ મહાત્મય વર્ણવતા વૃકી (માદા વરુ)ની કથા કહે છે કે પૂર્વે અર્બુદાચલ નજીક પાંડુરક નામનો નિર્દયી અને અધર્મી પારધી રહેતો હતો. એકવાર તે મૃગોનો શિકાર કરવા વનમાં ગયો. ત્યા અચાનક પ્રાણીનો અવાજ સાંભળી પારધીએ તીર છોડ્યુ તીર વૃકીને વાગ્યુ.. ઘાયલ વૃકી જીવ બચાવવા દોડી ભૂખ અને તરસથી વ્યાકુળ બનેલી વૃકી દોડતા-દોડતા સરસ્વતિના જળમાં પડી. નદીનાં પ્રવાહ માં તણાતી-તણાતી વૃકી પ્રાચક્ષેત્રમાં આવી. અહી, નદી કિનારે આવેલા પીંપળા ના મૂળમાં તે ફસાઈ ગઈ. અહીં જ તેણે પોતાનો પ્રાણ છોડ્યો અને તે મોક્ષને પામી.આમ આ સ્થળ મોક્ષ પીંપળાના નામે ઓળખાય છે.

આ મોક્ષપીંપળા સ્થાનકે યુદ્ધમાં હારેલા રાજા કિર્તિ વર્મા લાંબો સમય રોકાઈ શ્રદ્ધાપુર્વક સ્નાન, પૂજન, ધ્યાન, ઉપવાસ ઈત્યાદી ધર્મકાર્યો કરી મોક્ષ પામી વૈકુંઠને પામ્યા હતા. સિદ્ધપુરનાં સમસ્ત હિન્દુ સમાજની અસ્મિતા એવા ઐતિહાસિક રૂદ્રમહાલય નિર્માણ વખતે મુળરાજ દેવ સોલંકીએ હુર્દડ જોશીને બોલવેલ તેઓએ યોગ્ય મુર્હત જોઈ ખીલી મારવા કહેતા તે ખીલી શેષનાગના મસ્તક ઉપર વાગેલી પંડીત જોશીએ કહેલ કે આ ખીલી શેષનાગના મસ્તક ઉપર છે ત્યા સુધી રૂદ્ર મહાલયને કાંઈ નહી થાય પણ રાજાને આ વાત પર વિશ્વાસ ના બેસતા તેમણે ખીલીને મંત્રી પાસે કઢાવી ખીલી નીકળતા જ લોહીની ધારાઓ ઉડી..રાજાને વિશ્વાસ તો બેઠો પરંતુ ત્યા સુધી માં મોડું થઈ ગયુ હતું. બીજી વાર ખીલી મારવામાં આવી તે શેષનાગની પુંછડી ઉપર વાગી. બાદમાં વિધર્મી ઓએ રૂદ્રમહાલય પર અનેક વાર આક્રમણ કર્યુ જે તેના ભગ્ન અવશેષો સાક્ષી પુરે છે. સિદ્ધક્ષેત્ર સિદ્ધપુરનાં પેટાળમાં આજેય શેષનાગ અસ્તિત્વ ધરાવે છે. સિદ્ધપુરનાં અલગ-અલગ જગ્યાએ શેષનાગનાં રાફડા આવેલાં છે. વાલકેશ્વર, બ્રહ્માંડેશ્વર અને મોક્ષપીપળા ખાતે અવાર-નવાર ગોગા મહારાજ હાજરાહાજુર લોકોને દર્શન આપે છે.

આ ઉપરાંત લક્ષ્મી માર્કેટ, એસ.ટી.બસ સ્ટેન્ડ,ગંજ બજારનાં નાકે, સિદ્ધેશ્વરી સોસાયટી, ધોળાભટ્ટનાં મહાડનાં નાકે (શ્રી દત્તા બાપા) તેમજ રાજપુરમાં પણ પ્રસિદ્ધ ગોગોબાપાનાં મંદિરો આવેલા છે. નાગ પાંચમે શહેરમાં વસતા ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણો નાં ઘરોમાં વડીલો દ્ધારા ગોગામહારાજની મહાપુજા કરાતી હોય છે. તેઓ પાટલા ઉપર કે ભીંત ઉપર કે તાંબાના બેડા ઉપર ચંદન અને કોલસો ઘસીને નવ નાગણ અને નાગદેવતા, સૂર્ય,ચંદ્ર, વીંછી, પારણું, કાનખજુરા વગેરે ચિત્રો બનાવી તેમને બાજરી કે ચોખાના લોટમાંથી બનાવેલ કુલેર, શ્રીફળ અને અથાણું ધરાવી પૂજા કરતા હોય છે અને ઉપવાસ (અણગો) પણ રાખતા હોય છે. આ પરંપરા વંશપરંપરાગત આજેય પણ જળવાઈ રહી છે. ચૈત્ર મહિનામાં સુદ એકમનાં દિવસે અહીં ધાર્મિક પરંપરાગત રમેલ પણ યોજાતી હોય છે. રમેલ પુર્વે શહેરના રાજમાર્ગો ઉપર ગોગામહારાજની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા પણ નીકાળવામાં આવે છે. આ રમેલમાં રબારી સમાજ ના લોકો મોટી સંખ્યામાં ધર્મલાભ અને દર્શન કરવા શાંત સ્વભાવમય બની ઉમટતા હોય છે.

રમેલમાં તેઓની સ્વયંશિસ્ત અને સૌમ્ય અને શાંત સ્વભાવ ઉડીને આંખે ઉડતો જોવા મળતો હોય છે.જો કે આ વર્ષે કોરોના મહામારી વચ્ચે આ રમેલનુ આયોજન કરવામાં આવ્યુ નહોતુ.આ ઉપરાંત કોરોના મહામારી ના લીધે આ વર્ષે નાગ પાંચમના દિવસે લોકો મોટી સંખ્યામા અેકઠા થાય નહી તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે. સમગ્ર ગુજરાત તેમજ ભારત ભરમાં ગોગા મહારાજના જે મુખ્ય સ્થાનકો આવેલા છે જેવા કે દાસજધામના દાસજીયા ગોગા મહારાજ, કાસવા ના ગોગા, સેંભર નાં સેભારીયા ગોગામહારાજ વગેરે પવિત્ર સ્થાનકોનું ઉત્પત્તિસ્થળ સિદ્ધપુરના આ અતિ પવિત્ર મોક્ષ પીપળાના સ્થાનકે આવેલા શેષનાગ ગોગ મહારાજનું મંદિર હોવાનુ મનાય છે.

સિદ્ધપુર (શ્રી સ્થલ) માં આવેલ આ જગ્યાને દેવતા ઓનું સભાસ્થળ હોવાનું માનવામાં આવે છે. અહીંયા ભગવાન શિવના અતિપ્રિય ગોગામહારાજના દર્શન કરવા ભાવિકભક્તોની બારેમાસ તેમાંય વળી સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભારે ભીડ રહેતી હોય છે. અહીંયા સમગ્ર સિદ્ધપુર નગરના નાગરિકો તેમજ આજુબાજુના ગામડામાંથી ગોગા મહારાજના ભક્તો ગોગા બાપાનાં દર્શન કરી ધન્યતા ની અનુભૂતિ કરતા હોય છે.