નવોકાંડ@ગુજરાત: ક્લાસ વન અધિકારી સામે હતી ખંડણીની ફરિયાદ, કાર્યવાહી કરનારા સચિવનો ખેલ પડી ગ્યો

 
ACB gujarat
અધિક સચિવ ખુદ પોતાના તાબા હેઠળના અધિકારીનો તોડ કરવા ઉતારું થયા

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

ગુજરાત રાજ્યમાં વહીવટી વાળા ખુદ વહીવટીના થતાં નથી અને નાણાંની લાલચમાં કેટલા હદે જાય તેનો મોટો ખુલાસો થયો છે. ગઇકાલે આરોગ્યના સુપર ક્લાસ વન અધિકારી એવા સચિવ અને વચેટિયા વિરુદ્ધ જે ગુનો દાખલ થયો તેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. એસીબીને ફરિયાદ જેને આપી તે પણ એક ક્લાસ વન અધિકારી છે ત્યારે મામલો બાબુ વિરુદ્ધ બાબુ જેવો થયો છે. એસીબીને ફરિયાદ આપનાર અધિકારી હાલમાં સજા હેઠળ એટલે કે નોકરીમાંથી ફરજ મોકૂફ છે પરંતુ ઘટનાની શરૂઆત તેમની ચાલુ નોકરી દરમ્યાનથી થઈ હતી. એસીબીએ ફરિયાદ આપનાર અધિકારી અને તેમના સ્ટાફના એક ડોક્ટર વિરુદ્ધ ખંડણીની ફરિયાદ થઇ હતી. આ ફરિયાદની તપાસ બાદ કાર્યવાહીની ક્ષણ આવી હતી. બરોબર કોઈ નિર્ણય થાય તે પહેલાં જ કાર્યવાહી કરનારાનો કાંડ થઈ ગયો છે. આરોગ્યના અધિક સચિવે નિર્ણય લેવાનો હતો પરંતુ સારો નિર્ણય લેવા 30 લાખનો તોડ કાંડ સર્જ્યો હતો. વાંચો નીચેના ફકરામાં સનસનીખેજ અને રોચક, રોમાંચક વિગતો.

ભાવનગર સહિતના જિલ્લાઓ જેના કાર્યક્ષેત્રમાં આવતાં હતાં તેવા આરોગ્યના નાયબ નિયામકની નોકરીથી વાતની શરૂઆત થાય છે. અહિંના નાયબ નિયામક અને તેમના એક ડોક્ટરે તેમની ફરજ દરમ્યાન કેટલીક તપાસો કરી હતી અને આ તપાસ બાદ કથિત ખંડણીની ફરિયાદો ઉઠી હતી. આ ફરિયાદો સંભવિત એવી હતી કે, બોગસ ડોક્ટર કે ખાનગી હોસ્પિટલોમાં તપાસ બાદ નાણાં પડાવવાનો કારસો થતો હોવાનાં આક્ષેપોની ફરિયાદ થઇ હતી. આ ફરિયાદ આરોગ્ય વિભાગમાં આવી ત્યારે પ્રાથમિક તપાસમાં નાયબ નિયામક અને ડોક્ટરને ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યા પરંતુ ખાતાકીય તપાસ ચાલતી હતી. આ તપાસ પૂર્ણ કરીને અધિકારીએ સમગ્ર અહેવાલ આરોગ્ય વિભાગના અધિક સચિવ (કરાર ઉપર) દિનેશ પરમારને સુપ્રત કર્યો હતો. હવે અહિંથી તોડ કાંડનો મુખ્ય એપિસોડ શરૂ થયો. આ અહેવાલ ઉપર નિર્ણય લેનાર અધિક સચિવ દીનેશ પરમાર અને વચેટિયાએ સેટિંગ્સ પાડ્યું હતુ. વાંચો નીચેના ફકરામાં.

જે ભાવનગર નાયબ નિયામક અને એક ડોક્ટર ફરજ મોકૂફ ઉપર હતા તેમના વિરુદ્ધની ખાતાકીય તપાસ ઉપર નિર્ણય પોઝીટીવ કરવા ખુદ આરોગ્યના અધિક સચિવ દીનેશ પરમાર અને તેમનાં વચેટિયા ગીરીશ પરમારે 30 લાખ માંગ્યા હતા. જેમાં રૂબરૂ મિટીંગ પણ થઈ અને એડવાન્સ 15 લાખ પણ ચૂકવી દીધા. જોકે આ દરમ્યાન ભાવનગરના પૂર્વ નાયબ નિયામકે પોતાનો તોડ થતો હોવાની એટલે લાંચ લેવા બાબતની એસીબી પોલીસને ફરિયાદ આપી દીધી. આ ફરિયાદ આધારે અમદાવાદ ફિલ્ડ 3 એસીબીએ સમગ્ર વિગતો મેળવી બાકીના 15 લાખ ક્યારે અને કોણ અને કેવીરીતે લેશે તેની જાણકારી આધારે છટકું ગોઠવી દીધું. આ દરમ્યાન 15 લાખ લેવા અધિક સચિવનો વચેટિયાએ ફોન કરીને પૂર્વ નાયબ નિયામકનો શાહીબાગ સ્થિત પોતાનાં ઘેર બોલાવી લીધા. બરોબર 15 લાખ લેવા જતાં એસીબી પોલીસ આવી ગઈ અને વચેટિયા ગીરીશ પરમારનો દબોચી લીધો અને આ પછી મુખ્ય આરોપી એવા આરોગ્યના અધિક સચિવ દીનેશ પરમારને ઝડપી લેવા પોલીસે કવાયત હાથ ધરી છે.