પાટીદાર અનામત આંદોલનનો નવો સેનાપતિ અલ્પેશ કથીરીયા, હાર્દિકની સંમતિ

પાટીદારોના તમામ સંગઠનોએ કથીરિયા પર લગાવી મહોર
સુરતની લાજપોર જેલમાંથી 3 મહિના 20 દિવસનો જેલવાસ ભોગવ્યા બાદ આજે અલ્પેશ કથીરિયાની મુક્તિ થઈ છે. તેના સ્વાગત માટે સુરતમાં નીકળેલી સંકલ્પ યાત્રામાં પાટીદાર અનામત આંદોલનને નવો ચહેરો મળ્યો છે. અલ્પેશની રેલીમાં જે રીતે મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા છે, તે જોતા હવે અલ્પેશને આ અનામતનું નેતૃત્વ સોંપવાની વાત ચાલી રહી છે. જેને હાર્દિક પટેલે પણ સમર્થન આપતા કહ્યું કે, અલ્પેશ કથીરીયા આંદોલનનો મુખ્ય ચહેરો રહેશે. લોકોએ અલ્પેશભાઈનું નેતૃત્વ સ્વીકાર્યું છે.
સાૈમ્યસ્વભાવ અને રાજકારણવિહીન છાપ ધરાવતો પાટીદારો આંદોલનનો નવો ચહેરો અલ્પેશ
પાટીદારોમાં ગબ્બર જેવા હુલામણા નામથી ઓળખાતા અલ્પેશ કથીરિયાને જેલ બહાર ગબ્બર ઈઝ બેક જેવુ સ્વાગત મળ્યું છે. પાટીદારોમાં હર્ષોલ્લાસ જોવા મળ્યો. આ અંગે હાર્દિકે મોટું નિવેદન આપ્યુ છે કે, પહેલાં આંદોલનનો ચહેરો હાર્દિક હતો, હવે અલ્પેશ તેનો ચહેરો હશે. અલ્પેશ કથીરિયાના નેતૃત્વમાં હવે અનામત આંદોલન આગળ ચાલશે. ત્યારે અલ્પેશનુ નિવેદન પણ આવ્યું છે કે સમાજ માટે લડત ચાલુ જ રહેશે.
આ બાજુ અલ્પેશ કથીરિયાના જેલમાંથી છૂટકારા પછી ભાજપના નેતા વરૂણ પટેલે તેને શુભેચ્છા આપી. સાથે જ અનામતના આંદોલનમાં હાર્દિકની જગ્યાએ અલ્પેશ આવશે તો આંદોલન તીવ્ર બનશે તેવી આશા વ્યક્ત કરી. અલ્પેશના નેતૃત્વમાં ભાજપ સરકારની મુશ્કેલીમાં વધારો થશે તેવો સ્વીકાર પણ કર્યો છે. વરુણ પટેલે કહ્યુ કે, અલ્પેશ આવશે તો આંદોલનને તીવ્ર ગતિ મળશે. તો સાથે જ અલ્પેશના નેતૃત્વમાં સરકારની મુશ્કેલીમાં વધારો થશે.
એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે પણ અલ્પેશના નેતૃત્વને આવકાર આપ્યો છે. SPG ગ્રુપ પણ અલ્પેશ કથીરિયાની ટીમ સાથે જોડાશે. લાલજી પટેલે નિવેદન કર્યું છે કે હાર્દિક પટેલે લોકોનો વિશ્વાસ ખોયો છે તેવો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે, અલ્પેશ કથીરિયાએ લોકોનો વિશ્વાસ જીત્યો છે. હાર્દિક રાજકારણમાં જોડાશે તો સમાજ તેને ઉખાડશે. એસપીજી ગ્રુપ પણ અલ્પેશ કથેરીયાની ટીમ નીચે આંદોલનમા જોડાશે. હર્દિક પટેલે લોકોંનો વિશ્વાસ ગુમાવ્યો હતો તેવા સમયે અલ્પેશે લોકોનો વિશ્વાસ જીતી લીધો છે.
જ્યારથી અલ્પેશની જેલમુક્તિ થઈ છે પાટીદારોમાં ઉત્સવ જોવા મળી રહ્યો છે. પાટીદાર સમાજના અગ્રણીઓમાં પણ ક્યાંક હાર્દિક પટેલ પ્રત્યે છૂપી નારાજગી હતી. તેથી તેઓ પણ અલ્પેશ કથીરિયાની જેલમુક્તિથી ખુશ થયા છે. અલ્પેશને સંકલ્પ યાત્રામાં દરેક પડાવ પર મોટો આવકાર મળી રહ્યો છે. પાટીદારનેતા અલ્પેશનો સાૈમ્ય સ્વભાવ, દરેક સંગઠનો ઉપર પક્કડ જેવી બાબતોથી સમાજના લોકો પણ અલ્પેશને જ આંદોલનનો મુખ્ય ચહેરો બનાવવા માંગે છે.