2019-લોકસભાઃ ગુજરાતના 4.51 કરોડ મતદારો પોતાના પ્રતિનિધિ પસંદ કરશે

અટલ સમાચાર, ડેસ્ક આગામી લોકસભા ચૂંટણી 2019 માટે ગુજરાતની જે અંતિમ મતદાર યાદી તૈયાર થઈ છે તેના મુજબ રાજયમાં કુલ 4.51 કરોડ મતદારો નોંધાયા છે. તેમાં 10 લાખ મતદારો એવા છે જે પ્રથમ વખત જ મતદાન કરશે. રાજયમાં 26 લોકસભા બેઠક પર 23 એપ્રિલના રોજ એક જ તબક્કામાં મતદાન યોજાવાનું છે. રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી
 
2019-લોકસભાઃ ગુજરાતના 4.51 કરોડ મતદારો પોતાના પ્રતિનિધિ પસંદ કરશે

અટલ સમાચાર, ડેસ્ક

આગામી લોકસભા ચૂંટણી 2019 માટે ગુજરાતની જે અંતિમ મતદાર યાદી તૈયાર થઈ છે તેના મુજબ રાજયમાં કુલ 4.51 કરોડ મતદારો નોંધાયા છે. તેમાં 10 લાખ મતદારો એવા છે જે પ્રથમ વખત જ મતદાન કરશે. રાજયમાં 26 લોકસભા બેઠક પર 23 એપ્રિલના રોજ એક જ તબક્કામાં મતદાન યોજાવાનું છે. રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી મુરલી ક્રિશ્નાએ જણાવ્યું કે, 2 સપ્ટેમ્બર, 2018 થી 25 માર્ચ, 2019 સુધીમાં ગુજરાત રાજયમાં 10 લાખ નવા મતદારો ઉમેરાયા છે. હવે ગુજરાતમાં કુલ 4,51,25,680 મતદારો છે. જેમાં 2,34,28,119 પુરુષ મતદારો અને 2,15,96,571 મહિલા મતદારો છે.

નવા નામ ઉમેરવા, જૂનાની બાદબાકી, સુધારા-વધારા કરવા અથવા સરનામામાં ફેરફારની અરજીઓ ચકાસી લીધા બાદ આ નવી અંતિમ મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે. રાજયની 26 લોકસભા બેઠક માટે તૈયાર થયેલી નવી મતદાર યાદી મુજબ નવસારીમાં સૌથી વધુ 19.71 લાખ મતદારો નોંધાયા છે. ત્યાર પછી બીજા નંબરે ગાંધીનગર 19.45 લાખ, ત્રીજા ક્રમે રાજકોટ 18.83 લાખ, ચોથા ક્રમે સુરેન્દ્રનગર 18.47 લાખ અને પાંચમા ક્રમે બારડોલી 18.26 લાખ મતદારો છે.

રાજયમાં નામાંકન પત્ર ભરવાની અંતિમ તારીખ 4 એપ્રિલ છે. મુખ્ય ચૂંટણી અધિકારીએ વધુમાં જણાવ્યું કે, રાજયમાં 10 માર્ચના રોજ લાગુ થયેલી ચૂંટણીની આદર્શ આચાર સંહિતા પછી ઈન્કમ ટેકસ વિભાગ, ફલાઈંગ સ્કવોડ અને રાજય સર્વેલન્સ ટીમ દ્વારા અત્યાર સુધી રૂ.3.37 કરોડ રોકડ રકમ પકડવામાં આવી છે.

10 માર્ચના રોજ લાગુ કરવામાં આવેલી આદર્શ આચાર સંહિતા પછી કુલ 56,925 નોંધાયેલા હથિયારોમાંથી 51,677 હથિયાર જે-તે સત્તાવાળા સમક્ષ જમા કરાવી દેવાયા છે. ઉપરાંત 44,948 બિનજામીનપાત્ર વોરન્ટ ઈશ્યુ કરવામાં આવ્યા છે અને 1.90 લાખ લોકોની સીઆરપીસી ધારા હેઠળ ધરપકડ કરવામાં આવી છે.