આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

ટલ સમાચાર, પાલનપુર

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના ૪૯ માં શૈક્ષણિક અને વહીવટી અધિવેશનનો પ્રારંભ શિક્ષણ અને કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરાવ્યો હતો. આ પ્રસંગે મંત્રીએ પ્રાસંગીક પ્રવચન કરતાં જણાવ્યું કે બાળકોને સંસ્કારયુક્ત, નૈતિક શિક્ષણ આપી આવતીકાલના શ્રેષ્‍ઠ નાગરિકોનું ઘડતર કરીએ. તેમણે કહ્યું કે આપણા દેશની ધરતી વીર પુરૂષોના ત્યાગ, બલિદાન અને શૌર્યથી ભરેલી છે. પૂજ્ય મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ, ર્ડા.બાબા સાહેબ આંબેડકર, સુભાષચંદ્ર બોઝ જેવા અનેક વીર પુરષો ભારતની પૂણ્ય ભૂમિમાં થયા છે તેમના જીવનમાંથી પ્રેરણા મેળવી આપણે બાળકોને એવું શિક્ષણ આપીએ કે તેમના રગેરગમાં દેશપ્રેમ હોય અને તેઓ શક્તિશાળી રાષ્‍ટ્રના નિર્માણના સહભાગી બને.

મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું મા અંબાના આશીર્વાદથી સમગ્ર વિશ્વમાં આપણા દેશનું ગૌરવ વધ્યું છે. તેમણે કહ્યું કે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનથી દેશના જવાનોએ જે સાહસ અને શોર્ય બતાવ્યું છે તેમને અભિનંદન પાઠવું છું. તેમણે કહ્યું કે આપણું ગુજરાત સમગ્ર દેશ માટે મોડેલ સ્ટેટ છે. દેશના અન્ય રાજ્યના લોકો આપણા રાજ્યમાં થયેલા વિકાસને જોવા આવે છે. તેમણે ઉમેર્યુ કે બીજા રાજ્યના લોકો આપણા શૈક્ષણીક કાર્યને પણ જોવા આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવું છે.

મંત્રી ચુડાસમાએ આચાર્યઓને સંબોધતા કહ્યું કે સમાજ અને સરકારે આપણા પર વિશેષ જવાબદારી મુકી છે ત્યારે સામાજિક દાયિત્વ નિભાવી આપણા વાણી, વર્તન, વ્યવહારથી બાળકોને આવતીકાલના શ્રેષ્‍ઠ નાગરિક બનાવી સશક્ત રાષ્‍ટ્રનું નિર્માણ કરીએ. તેમણે કહ્યું પૂજ્ય ગાંધીજી, સ્વામી વિવેકાનંદજી જેવા મહાન પુરૂષોના જીવન ચરિત્રનું શાળામાં રોજે રોજ વાંચન અને તેમના જીવનના પ્રસંગો વિધાર્થીઓને કહી તેમનું મનોબળ મજબુત બનાવીએ. મંત્રીએ કહ્યું કે ધોરણ-10 અને 12માં ઓછું પરિણામ આવે તો વિધાર્થીઓ નાસીપાસ ન થાય તેવા સંસ્કારોનું સિંચન કરી તેમને માનસિક રીતે મજબુત બનાવીએ.

તેમણે કહ્યું કે એજ્યુકેશન ઇઝ એ સ્લો એન્ડ લોંગ પ્રોસેસ, તમે આજે બાળકના ઘડતરના કાર્યની શરૂઆત કરશો તો 5 થી 10 વર્ષ પછી તેનું પરિણામ મળશે. તેમણે ઉમેર્યુ કે ધોરણ-10 અને 12 ની બોર્ડની પરીક્ષા એ કંઇ જીવનની અંતિમ પરીક્ષા નથી તે બાબત વિધાર્થીઓને સમજાવી મનુષ્‍ય તુ બડા મહાન હૈ….. મનુષ્‍ય જીવનનું શું મહત્વ છે તે વાત વિધાર્થીઓને સમજાવીએ. મંત્રીએ કહ્યું કે આજના સમયમાં વાલીઓમાં સમજણશક્તિ અને બાળકોમાં સહનશક્તિનો અભાવ જોવા મળે છે તેને આપણે દૂર કરવો જ પડશે. તેમણે કહ્યું કે સમાજે આપણા પર બાળકોના સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણની વિશેષ જવાબદારી મુકી છે ત્યારે સામાજિક સમસ્યાઓની ચિંતા શિક્ષકો અને આચાર્યોએ કરવી પડશે. તેમણે ઉમેર્યુ કે સમાજનું એક પણ બાળક, નાગરિક આત્મહત્યા ન કરે તેવા સમાજની રચના કરવી છે. તેમણે કહ્યું કે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરીને બાળકોને પાણીનું મહત્વ સમજાવીએ તો તે પણ સામાજિક શિક્ષણ છે. મંત્રીએ જણાવ્યું કે અત્યારે પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી થઇ રહી છે ત્યારે તેમના વિચારો જન જન સુધી પહોંચાડીએ.

આ પ્રસંગે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ જે. પી. પટેલે પ્રાસંગીક પ્રવચનમાં રાજ્ય સરકારના શિક્ષણ માટેના પ્રયાસોની સરાહના કરી હતી. આ પ્રસંગે જમ્મુ-કાશ્મીરના પુલવામા શહીદ થયેલા વીર જવાનો અને દિવંગત આચાર્યઓને બે મીનીટનું મૌન પાળી તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રાષ્‍ટ્રીકક્ષાએ પારિતોષિક મેળવનાર આચાર્યઓનું મંત્રીના હસ્તે સન્માન કરાયું હતું. રાજ્યની શ્રેષ્‍ઠ શાળાઓના આચાર્યોનું સન્માન કરાયું હતું. આપણું સંભારણું પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પ્રવિણસિંહજી, ઉમેશભાઇ, પંકજભાઇ પટેલ, વિષ્‍ણુભાઇ, હરદેવસિંહજી, નારણભાઇ પટેલ, ભાસ્કરભાઇ પટેલ, મનુભાઇ રાવલ, ભરતભાઇ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી એચ.એલ.રાવલ સહિત અધિકારીઓ અને રાજ્યભરમાંથી વિશાળ સંખ્યામાં આચાર્યઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code