આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,પાલનપુર

પાલક માતા-પિતા યોજનાના અમલીકરણમાં બનાસકાંઠા જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ- ૯૬૪ અનાથ બાળકોને પાલક માતા-પિતા યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. પાલક માતા-પિતા યોજના અંતર્ગત ૦ થી ૧૮ વર્ષની ઉંમરના એવા બાળકોને આર્થિક સહાય કરવામાં આવે છે કે જેમના માતા-પિતા હયાત ન હોય, એટલે કે બાળક અનાથ છે અને તે બાળક કોઇ પાલક માતા-પિતા ને ત્યાં રહે છે. આવા બાળકને રૂ. ૩૦૦૦/- સુધીની માસિક આર્થિક સહાય આપવામાં આવે છે.
બનાસકાંઠા જિલ્લામાં આ યોજના કાર્યરત છે અને આ યોજનાના લાભાર્થી બાળકોની અરજીઓ મંજુર કરવા માટે તા. ૩૦ જાન્યુઆરી-૨૦૧૯ ના રોજ સ્પોન્સરશીપ અને ફોસ્ટર કેર એપ્રુઅલ કમિટીની બેઠક જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. જેમાં કુલ- ૫૦ અનાથ બાળકોની અરજીઓ મંજુર કરવામાં આવી હતી. આ અરજીઓ મંજુર કરતાની સાથે આજ દિન સુધીમાં બનાસકાંઠા જિલ્લાના કુલ- ૯૬૪ અનાથ બાળકોને પાલક માતા પિતા યોજનાથી લાભાન્વીત કરવામાં આવ્યા છે. આ યોજનાનું અમલીકરણ જિલ્લા બાળ સુરક્ષા એકમ- બનાસકાંઠા કચેરી દ્વારા કરવામાં આવે છે.

આ યોજના નો લાભ મેળવવા માટેની પાત્રતાઃ

1. બાળક ફરજીયાત શાળાએ અભ્યાસ કરતો હોવો જોઇએ
2. બાળકના માતા-પિતા બંને હયાત ન હોય અથવા
3. બાળકના પિતાના મરણ બાદ માતાએ પુનઃલગ્ન કરેલ હોય તેવા કિસ્સામાં લાભ મળવાપાત્ર રહેશે.
4. આ યોજના અંતર્ગત પાલક માતા-પિતા બનવા તૈયાર દંપતિની વાર્ષિક આવક ગ્રામીણ કક્ષાએ રૂ. ૨૭,૦૦૦/- કરતા વધુનો તાલુકા વિકાસ અધિકારીનો અને શહેરી કક્ષાએ રૂ. ૩૬,૦૦૦/- થી વધુનો આવકનો દાખલો મામલતદારનો હોવો જરૂરી છે.
5. જો બાળક ભણવાનું છોડી દેશે તો તેવા કિસ્સામાં સહાય બંધ કરવામાં આવશે.

યોજનાનો લાભ લેવા માટેના જરૂરી દસ્તાવેજો

1. બાળકના જન્મનો દાખલો અને બાળકના શાળાના આચાર્યશ્રીનો ચાલુ અભ્યાસનો દાખલો
2. બાળકના માતા-પિતા બંનેના મરણના દાખલા બાળકના માતાએ પુનઃલગ્ન કરેલ હોય તો રૂ. ૨૦/- ના સ્ટેમ્પ પર સોગંદનામુ કરવાનું રહેશે.
3. બાળકના પાલક માતા-પિતાનુ ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, આધારકાર્ડની નકલ
4. બાળકના આધારકાર્ડની નકલ
5. બાળકના પાલક સાથેના સંયુકત બેન્ક એકાઉન્ટ ખાતાની નકલ અને બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
6. બાળકનો પાલક માતા-પિતા સાથેનો પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટો
7. સાક્ષીઓના ઓળખના પુરાવા બીડવાના રહેશે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code