આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, પાટણ

સરસ્વતી તાલુકા સેવા સદન ખાતે રાજ્યના સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ વિભાગના મંત્રી અને પાટણ પ્રભારી મંત્રી વાસણભાઇ આહિરના અઘ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. પ્રભારી મંત્રી વાસણભાઈ આહિરે વર્ષ 2019-20 માં વિવિધ વિભાગો માટે વિકાસ કામોના આયોજન માટે મળેલ જિલ્લા આયોજન મંડળની બેઠકમાં જણાવ્યું હતું કે, વિકેન્દ્રિત આયોજન પ્રક્રિયા ગામડાના વિકાસની ધોરીનસ સમાન છે. ગ્રામસભાથી જિલ્લા આયોજન મંડળ સુધી વિકાસ કામોનું ચિંતન કરાય છે. પ્રજાજનોની માંગણીઓ ધ્યાને લઇ પ્રજાજનોની અપેક્ષા મુજબ પુખ્ત વિચારણા કરી વિકાસ કામોને બહાલી આપવામાં આવે છે. જેથી વિકાસના કામો માટે વિવેકપૂર્ણ ઉપયોગ કરી શકાય છે.

વિકાસના કામો ઝડપથી અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા અધિકારીઓને મંત્રીએ અનુરોધ કર્યો હતો. શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે જિલ્લા વિકાસ આયોજનના કામો છેવાડાના અંતરિયાળ ગામોને પ્રાથમિકતા આપી જાહેર જનતાના ઉપયોગ માટેના કામોનો સમાવેશ કરવા તથા ગુણવત્તાસભર કામો કરવા જણાવ્યું હતું. અધિકારીઓને બાકી કામોનું તાલુકાવાર રીવ્યુ લઈ કામો ઝડપથી પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં 15 ટકા વિવેકાધીન જોગવાઈ(સામાન્ય), 15 ટકા વિવેકાધિન જોગવાઇ (અનુસૂચિત જાતિ ખાસ અંગભુત પેટા યોજના), 5 ટકા પ્રોત્સાહક યોજના, નગરપાલિકા વિવેકાધિન જોગવાઇ, સામાજિક અને શૈક્ષણિક (બક્ષીપંચ) માટે ખાસ પ્લાનની જોગવાઈ(સામાન્ય) હેઠળ મંત્રીની ઉપસ્થિતિમાં અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે પુખ્ત ચર્ચા-વિચારણા કરી વિકાસ કામોને બહાલી આપી હતી.

જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વિવિધ જોગવાઈ હેઠળ ગ્રામ્ય રસ્તા માટે રૂ. 133.77 લાખના 82 કામો, પેવર બ્લોકના રૂ. 141.10 લાખના 88 કામો, પ્રાથમિક શિક્ષણના રૂ. 35.25 લાખના 13 કામો, પાણી પુરવઠાના રૂ. 115.62 લાખના 50 કામો, પોષણના રૂ.3.50 લાખના 2 કામો, ગ્રામ્ય વીજળીકરણના રૂ. 34.50 લાખના 22 કામો, ગંદા વસવાટોની વાતાવરણલક્ષી સુધારણાના રૂ. 149.50 લાખના 78 કામો, ભૂમિ સંરક્ષણના રૂ. 134.95 લાખના 55 કામો, સ્થાનિક વિકાસના રૂ. 243.70 લાખના 126 કામો એમ કુલ રૂપિયા 991.89 લાખના 516 કામો મંજૂર કરવામાં આવ્યા હતા.

જિલ્લા આયોજન અધિકારી એચ.કે શુક્લએ પ્રેઝન્ટેશન રજૂ કરી ગ્રામ્ય કામોની રૂપરેખા રજૂ કરી હતી. આ બેઠકમાં સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર, જિલ્લા પંચાયતના પ્રમુખ વિનુભાઇ પ્રજાપતિ, જિલ્લા કલેકટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખ, તાલુકા પંચાયતના પ્રમુખઓ, નગરપાલિકાના પ્રમુખઓ, જિલ્લા પંચાયત સમિતિના સભ્યો, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code