દુર્ઘટના@અમદાવાદ: સ્કૂલ બસ પાછળ મોપેડ ઘૂસી જતાં 21 વર્ષના યુવકનું કમકમાટીભર્યું મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ શહેરના શાસ્ત્રીનગર ચાર રસ્તા પાસે પ્રભાત ચોકથી શાસ્ત્રીનગર જતાં રોડ પર એક ઈલેક્ટ્રિક મોપેડ સવાર યુવક સ્કૂલ બસના પાછળના ટાયરમાં ઘૂસી જતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે રસ્તો લોહીલુહાણ થઈ ગયો હતો. મૃતક યુવકની ઉંમર આશરે 20થી 21 વર્ષની હોવાનું અને તેનું નામ યુવરાજ હોવાનું સામે આવ્યું છે.
પ્રભાત ચોકથી શાસ્ત્રીનગર જતા રોડ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આશરે 1 અઠવાડિયા પહેલા પાઇપલાઇના કામ માટે એક મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો. આ કામ હજુ સુધી પૂરું ન થતાં ખાડો એમ જ ખુલ્લો રાખવામાં આવ્યો હતો. આજે ત્યાંથી પસાર થઈ રહેલી એક સ્કૂલ બસ આ ખાડાની બાજુમાંથી ડાબી તરફ ટર્ન લઈ રહી હતી. તે સમયે બસની પાછળ આવી રહેલા મોપેડ સવાર યુવરાજે અચાનક શોર્ટ બ્રેક મારવી પડી હતી. બ્રેક મારતા જ મોપેડ સ્લીપ થઈ ગયું હતું અને યુવક સીધો બસના પાછળના વ્હીલ નીચે આવી ગયો હતો.આ અકસ્માત દિલ્હી પબ્લિક સ્કૂલની બસથી થયો હતો, જેમાં શાળાના બાળકો પણ સવાર હતા. અકસ્માત સર્જાયા બાદ બસચાલક અને કંડક્ટર માનવતા ભૂલીને બાળકો ભરેલી બસને ઘટનાસ્થળે જ મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધીને ફરાર ડ્રાઇવર-કંડક્ટરની શોધખોળ શરૂ કરી છે, જ્યારે તંત્રની આ ઘોર બેદરકારીને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ડીપીએસ બોપલ સ્કૂલના વિદ્યાર્થીઓને લઈ જતી એક બસ અને મોપેડ ચાલક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માત અંગે સ્કૂલ મેનેજમેન્ટે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. આ અંગે સ્કૂલ મેનેજમેન્ટે જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમે તમામ વાલીઓ અને નાગરિકોને ખાતરી આપવા માંગીએ છીએ કે બસમાં સવાર તમામ બાળકો સંપૂર્ણપણે સુરક્ષિત અને હેમખેમ છે. અકસ્માત બાદ તુરંત જ તમામ બાળકોને વૈકલ્પિક વાહન વ્યવસ્થા દ્વારા સુરક્ષિત રીતે તેમના ઘરે મોકલી દેવાયા છે.

