દુર્ઘટના@અમદાવાદ: આઇસર ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2 યુવકોના ઘટનાસ્થળે જ મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદના બગોદરા-વટામણ હાઇવે પર આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અરણેજ ગામ નજીક આઇસર ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઇકસવાર બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. હાલ પોલીસે મૃતક યુવકોના પરિવારજનોનો સંપર્ક સાધવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.મૃતક બંને યુવકો બાઇક પર વડોદરા તરફ જઈ રહ્યા હતા.
આ દરમિયાન અરણેજ ગામ નજીક પુરપાટ ઝડપે આવી રહેલી આઇસર ટ્રકે બાઇકને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે બાઈકસવાર બંને યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ બગોદરા 108ની ટીમ અને કોઠ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે બંને મૃતકોના મૃતદેહને કબ્જે કરીને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. બંને મૃતક યુવકોના પરિવારજનોનો સંપર્ક સાધવા માટે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

