દુર્ઘટના@અમદાવાદ: જીન્સ બનાવતી કંપનીમાં ટાંકીમાં ઉતરેલા ત્રણ શ્રમિકોના ડૂબી જવાથી મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદની દાણીલીમડા વિસ્તારમાં જીન્સ બનાવતી કંપનીમાં કાપડ ધોવાની ટાંકીમાં ઉતરેલા ત્રણ યુવકના મોત નિપજ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી છે. મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. આ યુવકોની ઓળખ સુનિલ રાઠવા, વિશાલ ઠાકોર અને પ્રકાશ પરમાર તરીકે થઈ છે. મૃતકોના પરિવારજનોનો આરોપ છે કે, કંપનીની બેદરકારીના કારણે મૃતકોના મૃતદેહ આખી રાત ટાંકીમાં રહ્યા હોવાના કારણે તેમના મોત નિપજ્યા છે.
પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી અને મૃતકોના મૃતદેહોને મણિનગરની એલ. જી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા છે. ત્રણેય યુવકોની ઉંમર 25-30 વયની વચ્ચે હોવાનું સામે આવ્યું છે. પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ત્રણેય મૃતક નાઇટ શિફ્ટ દરમિયાન કામ કરી રહ્યા હતાં, સફાઇ માટે તેઓ વૉશિંગ ટાંકીમાં પડ્યા હતાં, પરંતુ બહાર આવવામાં નિષ્ફળ ગયા હતા અને રાતભર ટાંકીમાં જ રહ્યા હતાં. દુર્ઘટનાની જાણ થતાં જ પરિવારજનો એલ.જી હોસ્પિટલ પહોંચ્યા હતા અને કંપની પર ફેક્ટરી મેનેજમેન્ટ તરફથી બેદરકારીનો આરોપ લગાવ્યો છે.
પરિવારજનોનો દાવો છે કે, કંપનીએ કામદારોને જોખમી રીતે ટાંકીમાં જ છોડી દેવાયા હતા. પરિવારજનોએ હોસ્પિટલમાં જવાબદાર લોકો સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ સાથે હોબાળો કર્યો હતો. આ વિશે વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, ‘મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને ઘટનાના ક્રમ અને સુરક્ષા પ્રોટોકોલમાં સંભવિત ખામી શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. આ એક દુઃખદ ઘટના છે. અમે શ્રમિકો ટાંકીની અંદર કેવી રીતે પહોંચ્યા? ત્યાં સુરક્ષાની શું સુવિધા હતી તે વિશે તપાસ કરી રહ્યા છીએ. હાલ પોલીસે આકસ્મિક મોતનો ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મૃતકોના મોતની સાચી હકીકત પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ સામે આવશે.