દુર્ઘટના@અંકલેશ્વર: બાઇક અને રિક્ષા વચ્ચે ભીષણ ટક્કર બાદ આગ લાગતા મહિલા જીવતી સળગી ગઇ

 
ઘટના
અન્ય ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે અંકલેશ્વર-વાલિયા રોડ પર આવેલા કોસમડી ગામ નજીક વહેલી સવારે અત્યંત કરૂણ અને ભયાનક અકસ્માત સર્જાયો હતો. બાઇક અને રિક્ષા વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં બંને વાહનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે રિક્ષામાં સવાર એક મહિલાનું જીવતી સળગી ગઇ અને મૃત્યુ પામી. કોસમડી ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે અથડામણ બાદ તુરંત જ આગ ભભૂકી ઊઠી હતી.

આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે રિક્ષામાં સવાર એક મહિલાને વાહનમાંથી બહાર નીકળવાનો કોઈ મોકો મળ્યો નહોતો અને તે ઘટનાસ્થળે જ જીવતી સળગી જતાં કરૂણ મોત નીપજ્યું હતું. આ ભયાનક દુર્ઘટનામાં અન્ય ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાની માહિતી મળી છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાયટરો સ્થળ પર પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. અકસ્માત અને આગના કારણે રસ્તા પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે.