અટલ સમાચાર,પાલનપુર
પાલનપુરમાં આગામી ર૬મી જાન્યુઆરી નિમિત્તે રાજય સરકારના ભવ્ય કાર્યક્રમની ઉજવણી થવાની છે. આ માટે છેલ્લાં કેટલાંક દિવસોથી ચાલતી તડામાર તૈયારીઓ વચ્ચે જીલ્લા વહીવટી તંત્રની પરીક્ષા થઇ ગઇ છે. બુધવારે બપોર બાદ રીહર્સલમાં શાળાના વિધાર્થીઓ તૈયારી કરતા હતા. આ દરમ્યાન વાવઝોડા સાથે ડમરી આવતા અફડાતફડીનો માહોલ ઉભો થયો હતો. જેમાં ટેન્ટનો પોલ ધરાશાયી થતા નજીકના ૧ બાળક સહિત ત્રણને ઇજા પહોંચી હતી. ઘટનાની જાણ વહીવટીતંત્રને થતા ભાગદોડ મચી ગઇ હતી.
બનાસકાંઠા જીલ્લાના પાલનપુર નજીક રામપુરા રસ્તા પાસે રાજયકક્ષાના ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાનાર છે. જેને લઇ ભવ્ય મંડપ તેમજ અન્ય સજાવટની કામગીરી ચાલી રહી છે. સાથે સાથે જિલ્લાની વિવિધ શાળાઓના બાળકો, પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડ અને ગ્રામ રક્ષક દળના જવાનોને પણ અહીં તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં શાળાના બાળકોને અનુલક્ષીને જે કાર્યક્રમો રજૂ કરવાના છે તેનું રીહર્સલ બુધવારે બપોર દરમ્યાન શરૂ કરવામાં આવ્યુ હતુ.આ દરમિયાન અચાનક વાવઝોડાની પરિસ્થિતિ ઉભી થઇ હતી. જેમાં એક ટેન્ટ ધરાશાયી થતાં દોડધામ મચી જવા પામી હતી. આથી નજીકના એક મહિલા સહિત ત્રણ વ્યક્તિને ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે.