દુર્ઘટના@બનાસકાંઠા: પૂરઝડપે જઈ રહેલું દૂધનું ટેન્કર ઇકો કાર પર પલટતાં 1નું મોત, 5 ઇજાગ્રસ્ત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દાંતીવાડા પંથકમાંથી એક અત્યંત કાળજું કંપાવી દેનારા રસ્તા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. દાંતીવાડા-ચંડીસર રોડ પર પૂરઝડપે પસાર થઈ રહેલું એક દૂધ ભરેલું ટેન્કર અચાનક કાબૂ બહાર જતાં સામેથી આવતી ઇકો કાર પર ખાબક્યું હતું. ટેન્કર કાર પર પલટી જતાં ઇકો કારનો ભુકડ બોલી ગયો હતો અને કારમાં સવાર લોકો અંદર જ દબાઈ ગયા હતા.આ અકસ્માત એટલો ભયાનક હતો કે, ટેન્કર પલટી જવાથી સમગ્ર માર્ગ પર દૂધની નદીઓ વહેવા લાગી હતી.આ ભયાનક ગોઝારા અકસ્માતમાં ઇકો કારમાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે પાંચથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
અકસ્માતના ધડાકાભેર અવાજને પગલે આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓના ટોળેટોળાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકોએ ભારે હિમ્મત દાખવીને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.ઘટના અંગે તાત્કાલિક જાણ કરવામાં આવતાં જ સ્થાનિક પોલીસ કાફલો પણ વિના વિલંબે ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ અને સ્થાનિકોએ ભેગા મળીને જેસીબી અને અન્ય સાધનોની મદદથી ઇકો કારમાં કચેરાઈને ફસાયેલા ઈજાગ્રસ્ત લોકોને મહામહેનતે બહાર કાઢ્યા હતા.
તમામ ઘાયલોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર અર્થે નજીકની દાંતીવાડા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.અકસ્માતમાં દૂધનું ટેન્કર પલટી જતાં હજારો લીટર દૂધ રસ્તા પર ઢોળાઈ ગયું હતું, જેના કારણે રોડ પર થોડીવાર માટે વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

