દુર્ઘટના@બનાસકાંઠા: 4 વાહનો એકબીજા સાથે ધડાકાભેર અથડાતાં અફરાતફરી, 1નું મોત, 3 ગંભીર

 
Aksmat
આસપાસના સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ધાનેરા-માલોત્રા ત્રણ રસ્તા પર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. એક જ સ્થળ પર અચાનક 4 વાહનો એકબીજા સાથે ધડાકાભેર અથડાતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ગંભીર ટક્કરમાં 1 વ્યક્તિનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા.

આ અકસ્માતમાં મોતને ભેટનાર વ્યક્તિના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ, ઘટનામાં ઘવાયેલા 3 ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની ગંભીર હાલતને ધ્યાનમાં રાખીને વધુ સારવાર અર્થે અન્ય મોટી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.ઘટના અંગે ધાનેરા પોલીસ મથકે તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ ધાનેરા પોલીસની ટીમ તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ટ્રાફિક હળવો કરાવીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો અને અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે દિશામાં ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.