દુર્ઘટના@બનાસકાંઠા: પાલનપુર-આબુ હાઈવે પર પાંચથી વધુ વાહનો વચ્ચે ભયાનક ટક્કર, 1નું મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પાલનપુર-આબુ હાઈવે પર આવેલા બાલારામ બ્રિજ ઉપર આજે ગંભીર અને જીવલેણ માર્ગ અકસ્માત થયો છે. નેશનલ હાઇવે પર સર્જાયેલી આ દુર્ઘટનાને કારણે ભારે અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો.બાલારામ બ્રિજ પર પાંચ કરતા વધુ વાહનો એકબીજા સાથે ધડાકાભેર અથડાતા આ ગંભીર ઘટના બની હતી.આ અકસ્માત એટલો ભયાનક હતો કે તેમાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે, અને પાંચથી વધુ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.
ટક્કર એટલી જોરદાર હતી કે એર્ટિગા અને આઇસર સહિતના વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું અને વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતની જાણ થતાં જ અમીરગઢ પોલીસ અને NHAIT વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ટીમે ઘાયલો માટે તાકીદે બચાવ કામગીરી હાથ ધરી અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી. હાઇવે પર પાંચ વાહનો એક સાથે અથડાવાના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. નેશનલ હાઇવે પર પાંચથી છ કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.આ બ્રિજ પર અકસ્માતની આ કોઈ પહેલી ઘટના નથી. ગઈકાલે પણ આ જ બાલારામ બ્રિજ ઉપર વેગેનર કારના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

