દુર્ઘટના@બનાસકાંઠા: રિક્ષા અને ST બસ વચ્ચે જોરદાર ટક્કર, 3 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત

 
અકસ્માત
6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર નજીક આવેલી ખરોડિયા ચોકડી પાસે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. વડગામ તરફથી આવી રહેલી એક પેસેન્જર રિક્ષા અને સામેથી આવતી ગુજરાત એસ.ટી. બસ વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ ભયાનક અકસ્માતમાં રિક્ષામાં સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બનાવ બનતા જ સ્થાનિક રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ મારફતે તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માત અંગે જાણ થતાં જ પાલનપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને માર્ગ પર સર્જાયેલા ટ્રાફિક જામને ખુલ્લો કરાવ્યો હતો.