દુર્ઘટના@ભાવનગર: બેફામ કાર કન્ટેનરના પાછળના ભાગે ધડાકાભેર ઘૂસી જતાં 3 લોકોના કમકમાટીભર્યા મોત

 
ઘટના
ટક્કર એટલી પ્રચંડ હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભાવનગર ધોલેરા રોડ નજી મોડી રાત્રે એક બેફામ કાર કન્ટેનર પાછળ ઘૂસી જતાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. ભાવનગર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. મોડી રાત્રે ભાવનગરના ભડભીડ ટોલનાકા નજીક એક અત્યંત ગમખ્વાર અને ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. હાઈવે પરથી પસાર થઈ રહેલું એક કન્ટેનર આગળ જઈ રહ્યું હતું, તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક બેફામ કાર કાળ બનીને કન્ટેનરના પાછળના ભાગે ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને આસપાસના સ્થાનિકો ધડાકાનો અવાજ સાંભળી ઘટનાસ્થળે દોડી આવ્યા હધરીજેમ

મૃતકોમાં વીરેન્દ્ર સિંહ સરવૈયા, બળભદ્રસિંહ ચુડાસમા અને ઈમ્તિયાઝ મલેક નામની વ્યક્તિ સામેલ છે. આ તમામના મૃતદેહોને ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ભયાનક દુર્ઘટનામાં કારમાં સવાર ત્રણેય વ્યક્તિઓને ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચી હતી, જેના કારણે ત્રણેય લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ સ્થાનીક પોલીસ અને હાઈવે ઓથોરિટીની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.

કારની સ્થિતિ એટલી હદે બિસ્માર થઈ ગઈ હતી કે અંદર ફસાયેલા મૃતકોના શબને ભારે જહેમત બાદ બહાર કાઢી પીએમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.અકસ્માતની જાણ મૃતકોના પરિવારજનોને થતાં જ મોટી સંખ્યામાં સ્વજનો અને સ્થાનિક અગ્રણીઓ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા.એકસાથે ત્રણ-ત્રણ આશાસ્પદ લોકોના મોતના સમાચારથી પરિવારો પર આભ તૂટી પડ્યું હતું અને હોસ્પિટલ પરિસરમાં સ્વજનોના હૈયાફાટ આક્રંદથી વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું.