દુર્ઘટના@ધ્રાંગધ્રા: ચાલુ બસનું તળિયું અચાનક તૂટી જતાં 6 વર્ષના માસુમ બાળકનું મોત

 
ઘટના
બસમાં સવાર અન્ય બાળકો અને ચાલકમાં અફરાતફરી મચી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાંથી એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. ધ્રાંગધ્રામાં આવેલી એક ખાનગી શાળા ઓમ શાંતિ વિદ્યાલયની બસમાં સવાર થઈને શાળાએ જઈ રહેલા માસૂમ બાળક સાથે મોટો અકસ્માત સર્જાયો હતો. બસની ભયાનક જર્જરિત હાલતના કારણે ચાલુ બસે તળિયું તૂટી જતાં 6 વર્ષનો વિદ્યાર્થી અચાનક નીચે પટકાયો હતો.

આ દુર્ઘટનામાં ઓમ શાંતિ વિદ્યાલયમાં અભ્યાસ કરતા 6 વર્ષિય દિવ્યરાજસિંહ સોલંકી નામના માસૂમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. બસનું તળિયું અચાનક તૂટી જતાં દિવ્યરાજસિંહ નીચે રસ્તા પર પટકાયો હતો અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. બસમાં સવાર અન્ય બાળકો અને ચાલકમાં અફરાતફરી મચી ગઈ હતી અને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં માસૂમ બાળકને ત્વરિત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

ઈજાઓ એટલી ગંભીર હતી કે તેને હોસ્પિટલ પહોંચાડીને સારવાર શરૂ કરાય તે પહેલાં જ બાળકે રસ્તામાં જ દમ તોડી દીધો હતો. બાળકના અકાળે અવસાનના સમાચાર મળતાં જ તેના પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો. ખાનગી શાળાની બસમાં સુરક્ષા અને ફિટનેસના માપદંડોને નેવે મૂકીને વાહનો ચલાવવામાં આવતા હોવાના આક્ષેપ સાથે સ્થાનિકો અને વાલીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. જર્જરિત બસના કારણે માસૂમ બાળકના મોત માટે શાળા સંચાલકો અને બસ માલિકની ઘોર બેદરકારીને જવાબદાર ગણાવવામાં આવી રહી છે.