દુર્ઘટના@ગુજરાત: અમદાવાદથી ભીલવાડા જતી બસ પલટી ખાઈ જતાં 3 લોકોના મોત, 20થી વધુ ઘાયલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદથી ભીલવાડા જતી ખાનગી બસ રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં પલટી ખાઈ જતાં ત્રણ લોકોના મોત થયા છે. 20થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં બેની હાલત અત્યંત ગંભીર છે. આ દુર્ઘટના કાંકરોલીમાં સ્થિત ભાવા બસ સ્ટેન્ડ નજીક બની હતી. પ્રારંભિક ધોરણે ડ્રાઈવરને ઝોકું આવી જતાં બસ બેકાબૂ બની હતી અને અચાનક પલટી ખાઈ ગઈ હતી.
આજે વહેલી સવારે 8.30 વાગ્યે રાજસમંદના કાંકરોલીમાં આ અકસ્માત સર્જાયો હતો. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જેમાં બેની હાલત અત્યંત ગંભીર બનતાં ઉદયપુર ખસેડવામાં આવ્યા હતા. અન્ય ઘાયલોની સારવાર ચાલી રહી છે. સ્થાનિક પોલીસ અને પ્રશાસને ત્વરિત બચાવ કામગીરી શરૂ કરી હતી. મૃતકોની ઓળખ હજી થઈ નથી. ઘણા ઈજાગ્રસ્તોને ગંભીર ઈજા થતાં મોતનો આંકડો વધવાની આશંકા છે.
પોલીસે ખાનગી બસ કંપની અને ડ્રાઈવર વિરૂદ્ધ બેદરકારીનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બસ ફૂલ સ્પીડે જઈ રહી હતી. ત્યાં અચાનક બસ ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં બસ રસ્તા પરથી ઊતરી પલટી ખાઈ ખાડામાં પડી ગઈ હતી. અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો અને પોલીસે તુરંત બચાવ કામગીરી હાથ ધરી હતી. ઉબડ-ખાબડવાળો રસ્તો અને ડ્રાઈવરની બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું લોકોએ જણાવ્યું છે.