દુર્ઘટના@ગુજરાત: દ્વારકાધીશના દર્શનાર્થે જઈ રહેલા 5 પદયાત્રીઓને ડમ્પરે કચડ્યાં, 4ના કમકમાટીભર્યા મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશના દર્શનાર્થે જઈ રહેલા પદયાત્રીઓને આજે વહેલી સવારે અકસ્માત નડ્યો હતો. પૂરપાટ ઝડપે આવતા ડમ્પર ચાલકે 5 પદયાત્રીઓને અડફેટે લીધા હતા. જેમાંથી 4ના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા અને એકની સ્થિતિ ગંભીર છે. દ્વારકાધીશના દર્શનાર્થે જતા પદયાત્રીઓને માળિયા-પીપળીયા હાઇવે પર અકસ્માત નડ્યો હતો. આ પદયાત્રીઓ બનાસકાંઠાના કાંકરેજ અને દિયોદર તાલુકાથી સંઘ કાઢી પગપાળા જઈ રહ્યા હતા.
આ દરમિયાન આજે વહેલી સવારે ચચાવદરડા ગામના પાટિયા પાસેના પેટ્રોલ પંપ નજીક એક પૂરપાટ ઝડપે આવતા ડમ્પર ચાલકે પાંચ પદયાત્રીઓને અડફેટે લીધા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, પાંચમાંથી 4 ના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા અને એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. હાલ ઈજાગ્રસ્ત મોરબીની હોસ્પિટલ હેઠળ સારવાર લઈ રહ્યો છે. મૃતકોમાં બે યુવાન અને બે આધેડ વયની વ્યક્તિ હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તમામ મૃતદેહોનો કબ્જો મેળવી તેમને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે. અકસ્માત સર્જનાર વાહનચાલક ફરાર થઈ ગયો હોવાના કારણે પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

