દુર્ઘટના@ગુજરાત: ચોટીલા દર્શન કરી પરત ફરતા પરિવારને નડ્યો અકસ્માત, બે સભ્યોના ઘટનાસ્થળે જ કરૂણ મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર આજે સવારે ગંભીર અકસ્મતા સર્જાયો છે. ચોટીલાથી આશરે સાત કિલોમીટર દૂર સ્વિફ્ટ કાર, પીકઅપ વાન અને ટ્રક વચ્ચે થયેલી ભયંકર ટક્કર થતાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. આ ટ્રિપલ અકસ્માત એટલો ભીષણ હતો કે વાહનોના કુરચેકુરચા બોલી ગયા હતા. અમદાવાદના સૈજપુર વિસ્તારનો ઠાકોર પરિવાર ચૈત્રી નવરાત્રી નિમિત્તે ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવા ગયો હતો. દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે ચોટીલા પાસે ઉભેલા એક ટ્રકની પાછળ પીકઅપ વાન અને તેની પાછળ પૂરઝડપે આવી રહેલી સ્વિફ્ટ કાર ધડાકાભેર અથડાઈ હતી.
આ અકસ્માતને પગલે હાઈવે પર ચીચીયારીઓ ગુંજી ઉઠી હતી અને સ્થાનિક લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. આ દુર્ઘટનામાં ઠાકોર પરિવારના બે સભ્યોએ જીવ ગુમાવ્યા છે. જેમાં સોનાલીબેન હર્ષદભાઈ ઠાકોર (ઉં.વ. 28) અને આશિષ રણજીતભાઈ ઠાકોર (ઉં.વ. 16)નો સમાવેશ થાય છે. જ્યારે અન્ય ત્રણ સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોમાં કલ્પેશભાઈ કાનુભાઈ ઠાકોર, હર્ષદભાઈ ઠાકોર અને દિવ્યાંશ હર્ષદભાઈ ઠાકોરનો સમાવશે થાય છે.અકસ્માતને કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો.

