દુર્ઘટના@ગુજરાત: કેમિકલ ભરેલી ટ્રકે ઉભેલી ટ્રકને મારી ટક્કર મારતાં ભયાનક બ્લાસ્ટ, 2 લોકો જીવતા ભુંજાયા

 
ઘટના
ક્ષણવારમાં જ ભયાનક બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઇવે પર આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. લીમખેડાના પાણિયા બસ સ્ટેન્ડ નજીક બે આઇસર ટ્રક ધડાકાભેર સામસામે કે પાછળથી અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટના બાદ ટ્રકમાં તુરંત આગ ફાટી નીકળતા બે લોકો આગની લપેટમાં આવીને જીવતા ભુંજાઈ ગયા હતા.

ગોધરા તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી કેમિકલ ભરેલી આઇસર ટ્રકે હાઇવેની સાઇડમાં ઊભેલી અન્ય એક ટ્રકને પાછળથી જોરદાર ધડાકાભેર ટક્કર મારી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કેમિકલના જ્વલનશીલ પદાર્થને કારણે ક્ષણવારમાં જ ભયાનક બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં બંને વાહનો આગની ચપેટમાં આવી ગયા હતા. આ ટક્કર અને આગની ઝપેટમાં આવવાથી પાછળની ટ્રકમાં ભરેલો પ્લાયવુડનો જથ્થો પણ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો.


ભીષણ આગની જ્વાળાઓ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે કેમિકલ ભરેલી ટ્રકના ડ્રાઇવર અને ક્લીનરને બહાર નીકળવાનો સહેજ પણ મોકો મળ્યો ન હતો. તેઓ ટ્રકની કેબિનની અંદર જ ફસાઈ ગયા હતા અને આગમાં જીવતા ભુંજાઈ જવાથી ઘટનાસ્થળે જ બંનેના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. વહેલી સવારે બનેલી આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. અકસ્માતનો મોટો ધડાકો સાંભળીને આસપાસના ગ્રામજનો અને સરપંચ તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પ્રાથમિક સ્તરે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા.

આ દરમિયાન લીમખેડા અને દેવગઢ બારિયા ફાયર વિભાગની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આ ઉપરાંત, લીમખેડા પોલીસ સ્ટેશનના પી.આઈ. સંદીપ વસાવા અને મામલતદાર અનિલ વસાવા પોલીસ કાફલા સાથે મોરચો સંભાળીને સ્થળ પર પહોંચી ગયા હતા.મૃતદેહોને પીએમ અર્થે ખસેડી પોલીસે ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કર્યો.પોલીસે ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત ટ્રકને સીધી કરાવીને કેબિનમાં ફસાયેલા બંને મૃતદેહોને બહાર કાઢ્યા હતા અને પંચનામું કર્યું હતું. મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડીને પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.