દુર્ઘટના@ગુજરાત: ભાવનગર-અમદાવાદ હાઈવે પર કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત, બેના કરુણ મોત

 
અકસ્માત
અકસ્માત બાદ કાર પલટી મારી ગઈ હતી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભાવનગર-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર આજે વહેલી સવારે પીપળી નજીક હાઈવે પર ગમખ્વાર કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. કાર અને બાઇક વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં બે બાઇક સવારોનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર એક મહિલાને ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ કાર પલટી મારી ગઈ હતી. જેના કારણે માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.

ભાવનગર તરફથી આવી રહેલી એક કારે સામેથી આવી રહેલી બાઇકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઇક પર સવાર બંને વ્યક્તિઓ હવામાં ફંગોળાઈ ગયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. બીજી તરફ, અકસ્માત બાદ કાર પલટી મારી ગઈ હતી. કારમાં સવાર એક મહિલાને સામાન્ય ઇજાઓ થઈ હતી.​ અકસ્માતમાં મૃત્યુ પામનાર બંને યુવકો ધોળકા તાલુકાના સરગવાળા ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા જ પીપળી 108 એમ્બ્યુલન્સ અને ધોલેરા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.