દુર્ઘટના@ગુજરાત: હિંમતનગર-શામળાજી હાઈવે પર ગંભીર અકસ્માત, પતરું ચીરીને લાશો કઢાઈ, 2ના મોત
Sep 20, 2025, 16:55 IST

અકસ્માત બાદ કારનો કચ્ચરઘાણ વળી ગયો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હિંમતનગર-શામળાજી હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં બે લોકોનાં કરુણ મોત નિપજ્યાં છે અને અન્ય ત્રણને ગંભીર ઈજા થઈ છે. મળતી માહિતી મુજબ એક કાર બેકાબૂ થઈને ડિવાઈડરની રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે રેલિંગનું પતરું કારમાં ઘૂસી ગયું હતું. કારમાં કુલ પાંચ લોકો સવાર હતા. અકસ્માત બાદ કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
રેલિંગનું પતરું કારમાં ઘૂસી જતાં અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન કરવું પડ્યું હતું. પતરું કાપીને મૃતદેહોને બહાર કાઢવા પડ્યા હતા. ઈજાગ્રસ્ત ત્રણેય લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ ચાલી રહી છે.