દુર્ઘટના@હાંસોટ: શેરા ગામ પાસે પૂરપાટ ઝડપે જતી કાર ઝાડ સાથે અથડાઈ, ત્રણ યુવકોના મોત
અકસ્માતની આ ઘટનામાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે સવારે અંકલેશ્વરને સુરત સાથે જોડતા હાઈવે પર શેરા ગામ પાસે એક કાર પૂરપાટ ઝડપે ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માતના આ બનાવમાં બે યુવકોના બનાવ સ્થળે જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ પહોંચી હતી. મૃતદેહોને પીએમ અર્થે ખસેડાયા હતા. યુવકો ભાવનગરથી સુરત જઇ રહ્યાં હતા ત્યારે આ અકસ્માત થયો હતો.અકસ્માતની પ્રાપ્ત વિગત અનુસાર, ભાવનગરના ત્રણ યુવકો કાર લઇને સુરત જઇ રહ્યાં હતા. અંકલેશ્વરથી સુરત તરફ જતાં સ્ટેટ હાઇવે પર તેઓ હાંસોટ તાલુકાના શેરા ગામ પાસે પહોંચ્યા હતા. જ્યાં તેમની કાર પૂરપાટ ઝડપે ઝાડ સાથે અથડાઈ હતી.
અકસ્માતની આ ઘટનામાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત થયો હોવાની જાણ થતાં રાહદારીઓ અને સ્થાનિકો આવી પહોંચ્યા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. અકસ્માતની આ ઘટનામાં કાર સવાર બે યુવકોના બનાવ સ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે એક યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પોલીસે ત્રણેય મૃતદેહોને પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તારણ અનુસાર કાર ચાલકને ઝોકું આવી જતા કાર ઝાડ સાથે અથડાઈ હોઇ શકે છે. બનાવ અંગે મૃતકોના પરિવારજનોને જાણ કરતા ભાવનગરથી પરિવાર ભરૂચ આવવા નીકળ્યો છે.