દુર્ઘટના@અમદાવાદ: સોલા STP પ્લાન્ટમાં વેલ્ડિંગ દરમિયાન 4 શ્રમિકો અંદર ખાબક્યા, 2નાં મોત

 
ઘટના

2ની હાલત ગંભીર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા STP પ્લાન્ટમાં વેલ્ડિંગનું કામ કરી રહેલા HNB એજન્સીના 4 શ્રમિકો અચાનક અંદર પડી જતાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, વેલ્ડિંગ દરમિયાન ઝેરી ગેસની અસર થવાના કારણે ચારેય કર્મચારીઓ બેભાન થઈ ગયા હતા અને પ્લાન્ટમાં ખાબક્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને ચારેય શ્રમિકોનું રેસ્ક્યૂ હાથ ધર્યું હતું.બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને મેયર હિતેશ બારોટ અને સ્થાનિક ધારાસભ્ય અમિત શાહ તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સ્થિતિની સમીક્ષા કરી હતી.

ફાયર વિભાગ દ્વારા બેભાન હાલતમાં બહાર કાઢવામાં આવેલા ચારેય શ્રમિકોને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન હોસ્પિટલના તબીબોએ બે શ્રમિકોને મૃત જાહેર કર્યા હતા, જ્યારે અન્ય બે શ્રમિકો હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓમાં સાઇડ ઇન્ચાર્જ મનોહર અને વેલ્ડિંગ વર્કર અભિષેકનો સમાવેશ થાય છે. જ્યારે રૂપેશ અને નિલેશ નામના બે શ્રમિકો સોલા સિવિલ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાકઈ રહ્યા છે. મેયર હિતેશ બારોટે હોસ્પિટલ અને સ્થળની મુલાકાત લીધા બાદ સ્પષ્ટ જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે બેદરકારી દાખવનાર એજન્સી સામે કડક તપાસ કરવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા આ ગંભીર દુર્ઘટના પાછળ સેફ્ટી પ્રોટોકોલનો ભંગ થયો છે કે કેમ અને ગેસ ગળતરનું મુખ્ય કારણ શું હતું તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. શ્રમિકોના મોતથી તેમના પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.