દુર્ઘટના@અમદાવાદ: ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી જતાં 2 વ્યક્તિના કરુણ મોત

 
દુર્ઘટના
 4 લોકોને ગંભીર ઈજાઓ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર પીપળી ગામ નજીક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદથી ભાવનગર તરફ જઈ રહેલી એક કારના ડ્રાઈવરે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડ સાઈડ પર પલટી ખાઈ ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર 2 વ્યક્તિના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.

કારમાં સવાર તમામ મુસાફરો અમદાવાદના જમાલપુર વિસ્તારના રહેવાસી હતા અને તેઓ ભાવનગર જઈ રહ્યા હતા. પીપળી ગામ પાસે સર્જાયેલા આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ રસ્તામાં તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.મૃતકોમાં અમદાવાદના જમાલપુર વિસ્તારના નઝીર હુસૈન અબ્દુલકાદર મેમણ (ઉં.32 વર્ષ) તથા અન્ય એકની ઓળખ કરવાની બાકી છે. કારનો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ઈમરજન્સી સેવાને જાણ કરી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ 4 ઈજાગ્રસ્તોને પીપળી, ધોલેરા અને ધંધુકા એમ કુલ ત્રણ 108 એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.