દુર્ઘટના@અમદાવાદ: પૂરપાટ ઝડપે આવતી AMTS બસની અડફેટે બાઇક સવારનું કમકમાટીભર્યું મોત

 
ઘટના
બેફિકર બનીને વાહન હંકારતા ચાલકો સામે કડક પગલાં ભરવાની લોકમાંગ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદ શહેરમાં નાગરિકોને સેવા માટે દોડતી બસ જીવલેણ બની રહી છે. શહેરના જાહેર માર્ગો પર બેફામ દોડતા ભારે વાહનો નિર્દોષ નાગરિકો માટે જોખમી બની રહ્યા છે. પશ્ચિમ વિસ્તારમાં આવેલા નારણપુરાના પલ્લવ ચાર રસ્તા પાસે આજે એક ભયાનક અકસ્માત સામે થયો છે. રોડ પર પૂરપાટ ઝડપે આવી રહેલી લાલ બસે આગળ જઈ રહેલા મોટરસાયકલ સવારને જોરદાર અડફેટે લીધો હતો.આ ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઇક ચાલક રોડ પર પટકાયો હતો. અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો તાત્કાલિક સ્થળ તરફ દોડી આવ્યા હતા.

હાટકેશ્વરથી છેક સિલ્વર ઓક યુનિવર્સિટી તરફ જતી રૂટ નંબર 160ની AMTS બસે આ ગંભીર હોનારત સર્જી છે. વળાંક નજીક બસના ચાલકે ગતિ પરનો કાબૂ ગુમાવી દેતાં આ દુર્ઘટના બની હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. બાઇક સાથે સીધી અથડામણ થવાના કારણે ચાલકને માથાના તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો મદદ માટે પહોંચે તે પહેલાં જ લોહીલુહાણ હાલતમાં પડેલા બાઇક ચાલકે દમ તોડી દીધો હતો. યુવકના અકાળે થયેલા અવસાનથી વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.અકસ્માતની આ ઘટના બનતાં જ વ્યસ્ત ગણાતા પલ્લવ ચાર રસ્તા પર થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. સતત બનતી આવી ઘટનાઓને લઈને સ્થળ પર હાજર સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી હતી. બેફિકર બનીને વાહન હંકારતા ચાલકો સામે કડક પગલાં ભરવાની લોકમાંગ ઉઠી છે.

બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી. પોલીસે ભીડને હટાવીને પરિસ્થિતિ થાળે પાડી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ મોકલવાની તજવીજ હાથ ધરી છે.શહેરમાં દોડતી મ્યુનિસિપલ પરિવહનની બસો સામે ભૂતકાળમાં પણ અકસ્માતોના અનેક કેસો નોંધાયા છે. સમયસર પહોંચવાની લ્હાયમાં કેટલાક ડ્રાઈવરો ટ્રાફિક નિયમો નેવે મૂકીને વાહન હંકારે છે. ખાસ કરીને ચાર રસ્તા અને ટ્રાફિક સિગ્નલ નજીક વાહનની ઝડપ નિયંત્રણમાં રાખવી ફરજિયાત છે. શહેરીજનોના જીવન સાથે થતા આ ચેડાં રોકવા તંત્રએ ડ્રાઈવરોનું યોગ્ય કાઉન્સેલિંગ કરવું ખૂબ જરૂરી બન્યું છે.