દુર્ઘટના@ડાંગ: કાર રેલિંગ તોડી ખાપરી નદીમાં ખાબકતાં અધિક કલેક્ટર સહિત 2ના મોત

 
ઘટના
વહેતી ખાપરી નદીમાં આશરે 35 ફૂટ ઊંડે ખાબકી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ડાંગના આહવા વઘઈ રોડ પર આજે વહેલી સવારે પૂરઝડપે જતી એક કાર અનિયંત્રિત થઈને માર્ગની રેલિંગ તોડીને ખાપરી નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર અધિક કલેક્ટર સહિત બે વ્યક્તિઓના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.વહેલી સવારે આહવા-વઘઈ રોડ પરથી પસાર થઈ રહેલી કારના ચાલકે અચાનક કાબૂ ગુમાવતાં કાર પુલની રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી અને રેલિંગ તોડીને નીચે વહેતી ખાપરી નદીમાં આશરે 35 ફૂટ ઊંડે ખાબકી હતી.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.આ અકસ્માતમાં કારમાં સવાર સંદીપ એન. ડામોર અને શૈલેષ ડી. ગરાસિયાનું મોત નીપજ્યું હતું. જ્યારે સોનુ બી. બારિયા (આણંદના નાયબ મામલતદાર)ના બચાવ થયો હતો. ઘટનાસ્થળે પહોંચેલી 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત સોનુભાઈને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે સ્થાનિક પોલીસે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નદીના ઊંડાણમાંથી કારને બહાર કાઢવા માટે પોલીસે તાત્કાલિક ક્રેનની મદદ લીધી હતી. ક્રેન મારફતે કૂચડો બની ગયેલી કારને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.