દુર્ઘટના@જૂનાગઢ: પૂરપાટ ઝડપે દોડી રહેલી કાર મોટા પથ્થર સાથે ધડાકાભેર અથડાઈ, 3ના મોત

 
અકસ્માત
જોતજોતામાં આખી કાર અગનગોળામાં ફેરવાઈ ગઈ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

જૂનાગઢ જિલ્લાના કેશોદ-બાલાગામ રોડ પર પૂરપાટ ઝડપે દોડી રહેલી એક કાર અચાનક ચાલકના કાબૂ બહાર જઈને રસ્તાની બાજુમાં રહેલા મોટા પથ્થર સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં તણખા ઝર્યા બાદ ગણતરીની સેકન્ડોમાં જ ભીષણ આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં આખી કાર અગનગોળામાં ફેરવાઈ ગઈ હતી. આ કરુણ દુર્ઘટનામાં કારમાં સવાર 2 પુરુષ અને 1 મહિલા એમ કુલ 3 વ્યક્તિઓને બહાર નીકળવાની કોઈ તક ન મળતા તેઓ કારની અંદર જ જીવતા ભૂંજાઈ ગયા હતા.આ ગોઝારા અકસ્માત સમયે કારમાં કુલ 4 લોકો સવાર હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. કાર જ્યારે પથ્થર સાથે અથડાઈ અને આગની જ્વાળાઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, તે જ સમયે કારનો દરવાજો ખૂલી જતાં અથવા ટક્કરના વેગને કારણે અંદર બેઠેલી એક યુવતી બહાર ફંગોળાઈ ગઈ હતી. બહાર ફેંકાઈ જવાને કારણે તે આગની લપેટમાં આવતા બચી ગઈ હતી અને તેનો આબાદ બચાવ થયો હતો. જોકે, અકસ્માત અને ફંગોળાવાને કારણે યુવતીને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના રાહદારીઓ અને ગ્રામજનો મદદ માટે દોડી આવ્યા હતા અને તુરંત 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઈજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.અકસ્માત અને આગની ઘટના અંગે જાણ થતાં જ કેશોદ ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ અને ઇમરજન્સી 112ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી અને માત્ર લોખંડનું માળખું જ બચ્યું હતું. કારની અંદરથી ત્રણેય મૃતકોના બળી ગયેલા મૃતદેહો મળી આવ્યા હતા, જેને પોલીસે કબજે લઈ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે.

આગ એટલી ભીષણ હતી કે કારની નંબર પ્લેટ અને અન્ય દસ્તાવેજો પણ બળીને રાખ થઈ ગયા છે, જેના કારણે કાર કોની છે અને મૃતકો ક્યાંના રહેવાસી છે તે જાણવું પોલીસ માટે પડકારજનક બન્યું છે. હાલ પોલીસ દ્વારા કારના ચેસીસ નંબર અને એન્જિન નંબરના આધારે આરટીઓ પાસેથી વિગતો મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી ઈજાગ્રસ્ત યુવતી ભાનમાં આવ્યા બાદ તેનું નિવેદન લઈને મૃતકોની ઓળખ અને અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.