દુર્ઘટના@સુરત: ડમ્પર પાછળ કાર ધડાકાભેર ઘૂસી જતાં કારનો કચ્ચરઘાણ, 4 લોકોના મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરત જિલ્લામાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કામરેજ નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે. રોડ પર ઊભેલા ડમ્પર પાછળ પૂરઝડપે આવી રહેલી કાર ધડાકાભેર ઘૂસી જતાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ દુર્ઘટનામાં કારમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. ડમ્પરમાં અચાનક એર પ્રેશરની તકનીકી સમસ્યા સર્જાતાં ચાલકે ડમ્પરને એક્સપ્રેસ વે પર જ ઊભું રાખી દીધું હતું.
આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે કાબૂ ગુમાવતાં કાર ઊભેલા ડમ્પરની પાછળ જોરદાર ધડાકા સાથે ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને તેમાં સવાર 4 લોકોના મોત થયા હતા. અકસ્માતના કારણે એક્સપ્રેસ વે પર થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. બનાવની જાણ થતાં જ કામરેજ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોને બહાર કાઢી પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

