દુર્ઘટના@દેશ: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, 8ના મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજસ્થાનના કોટા જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કરાડિયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. દિલ્હીથી મુંબઈ તરફ જઈ રહેલી એક મુસાફર બસ અચાનક ચાલકે કાબૂ ગુમાવતા રોડની સાઈડમાં આવેલા ઊંડા ખાડામાં ખાબકી હતી. આ અકસ્માતમાં 8 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અનેક મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ સાંપડ્યા છે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પરથી પસાર થઈ રહેલી ઝડપી બસ કરાડિયા નજીક પહોંચતા જ અચાનક અનિયંત્રિત થઈ ગઈ હતી. ડ્રાઈવર બસ પરનો કાબૂ ગુમાવી બેસતા બસ ધડાકાભેર રસ્તા કિનારે આવેલા ખાડામાં પલટી મારી ગઈ હતી. અકસ્માત સર્જાતા જ બસમાં સવાર મુસાફરોમાં ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો અને એસએચઓ નંદ સિંહ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ અને સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.જિલ્લા કલેક્ટર પીયૂષ સમરિયાએ અકસ્માતમાં આઠ લોકોના મોતની પુષ્ટિ કરી છે. બસમાં ભોપાલથી 21 લોકો સવાર હતા, જેમાં વૃદ્ધો અને બાળકોનો સમાવેશ થાય છે. તેઓ ભોપાલથી ખાટુશ્યામજીના દર્શન માટે જઈ રહ્યા હતા.

