દુર્ઘટના@વડોદરા: પંડ્યા બ્રિજ પર ટેન્કરની અડફેટે દંપતીનું ઘટનાસ્થળે જ મોત, 4 વાહનો વચ્ચે ટક્કર
4 વાહનો એકબીજા સાથે અથડાતાં અફરાતફરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડોદરાના પંડ્યા બ્રિજ પર ઓવરલોડ ટેન્કરની ટક્કરથી ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટેન્કરે ટુ-વ્હીલર પર જઈ રહેલા દંપતીને અડફેટે લેતાં બંનેનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં. આ અકસ્માત બાદ પાછળથી આવી રહેલાં અન્ય 4 વાહનો પણ એકબીજા સાથે અથડાતાં અફરાતફરી મચી ગઈ હતી.પંડ્યા બ્રિજ પરથી પસાર થઈ રહેલા ઓવરલોડ ટેન્કરે ટુ-વ્હીલર પર સવાર દંપતીને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે દંપતીને ગંભીર ઇજાઓ પહોંચતાં બંનેએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો.
દંપતીને ટક્કર માર્યા બાદ પાછળથી આવી રહેલાં અન્ય 4 વાહનો પણ એકબીજા સાથે અથડાયાં હતાં. એક જ અકસ્માતમાં અનેક વાહનો અથડાતાં બ્રિજ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.અકસ્માત સર્જ્યા બાદ ટેન્કર ચાલક વાહન સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ફરાર ટેન્કર ચાલકને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.

