દુર્ઘટના@વડોદરા: બેફામ કારે 5થી 9 વાહનોને ઉડાવ્યા, 2 નિર્દોષ લોકોનાં કમકમાટીભર્યા મોત
સમગ્ર વડોદરા શહેરમાં ભારે રોષ અને અરેરાટી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડોદરા શહેરમાંથી બેફામ સ્પીડ અને અસંવેદનશીલતાની એક અત્યંત હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના હરિનગર અને ગોત્રી બ્રિજ વિસ્તારમાં એક ધનાઢ્ય બિલ્ડરના પુત્ર દ્વારા પોતાની વૈભવી કાર બેફામપણે હંકારીને રસ્તા પર ચાલતા નિર્દોષ નાગરિકો અને વાહનોને કચડી નાખવામાં આવ્યા છે. આ ગંભીર અકસ્માતમાં અંદાજે 8 થી 9 જેટલાં વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જેના કારણે સમગ્ર વડોદરા શહેરમાં ભારે રોષ અને અરેરાટી વ્યાપી ગઈ છે.આ ભયાનક અકસ્માતમાં ઓલા રિક્ષામાં મુસાફરી કરી રહેલા નિર્દોષ રિક્ષાચાલક અર્જુનસિંહ પઢિયારનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું, જેઓ પોતાના પરિવારના એકમાત્ર રોજી રળનાર મુખ્ય મોભી હતા.
ગંભીર રીતે ઘાયલ થયેલાં ગિરિજા મિસ્ત્રી નામના મહિલાએ સારવાર દરમિયાન ઝાયડસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. અકસ્માતના આ ભયાનક દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓ પણ હચમચી ગયા હતા. અર્જુનસિંહના અચાનક અવસાનથી તેમના પત્ની અને બે નાનાં માસૂમ બાળકો નિરાધાર બની ગયા છે.આ ગંભીર ગુનાને અંજામ આપનાર કારચાલક યુવક કુખ્યાત બિલ્ડર શબ્બીર પરદાવાલાનો પુત્ર તાહા પરદાવાલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને અકોટા પોલીસે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરીને આરોપી તાહા પરદાવાલાની ધરપકડ કરી લીધી છે. પોલીસ દ્વારા કારચાલક અકસ્માત વખતે નશાની હાલતમાં હતો કે કેમ તેની વૈજ્ઞાનિક અને તબીબી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
મૃતક ગિરિજાબેનના પુત્ર અમિત મિસ્ત્રી અને અન્ય પીડિત પરિવારજનોએ આ નબીરાની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે, "આ પ્રકારના રક્ષિત નબીરાઓ ક્યારે નિર્દોષ લોકોના ભોગ લેતા અટકશે? આવા લોકો અકસ્માત સર્જીને જામીન પર છૂટી જાય છે, જ્યારે નિર્દોષ પરિવારો કાયમ માટે વેરવિખેર થઈ જાય છે." પીડિત પરિવાર અને નાગરિકો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ કડકમાં કડક કાનૂની પગલાં લેવામાં આવે અને આવા રાક્ષસી કૃત્ય કરનારને ફાંસીની સજા ફટકારવામાં આવે તેવી હૃદયપૂર્વકની અપીલ કરવામાં આવી છે.

