દુર્ઘટના@વડોદરા: લગ્ન પ્રસંગમાંથી પરત ફરતા યુવાનોની કારને ટ્રકે ટક્કર મારતાં 2ના મોત

 
કાર
અન્ય ત્રણ યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વડોદરાના કરજણ તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઈવે 48 પર રોડની સાઈડમાં ઊભેલી કાર પાછળ પૂરઝડપે આવતા એક ટ્રકે જોરદાર ટક્કર મારતાં કારમાં સવાર 2 યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કરજણના જૂના બજાર વિસ્તારમાં રહેતા યુવાનો વડોદરા ખાતે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપીને કાર દ્વારા પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.

આ દરમિયાન નેશનલ હાઈવે 48 પર કંડારી ગામ નજીક કાર સાઈડમાં ઊભી હતી ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકચાલકે કારને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કૂચડો બોલાઈ ગયો હતો.આ અકસ્માતમાં કારમાં સવાર પ્રેમ શાહ અને મિહિર પટેલનું મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા છે. લગ્ન પ્રસંગમાંથી ખુશીખુશી પરત ફરી રહેલા બે આશાસ્પદ યુવાનોના અકાળે અવસાનથી કરજણના જૂના બજાર વિસ્તારમાં ભારે અરેરાટી સાથે શોકની કાલિમા છવાઈ ગઈ છે.