દુર્ઘટના@વલસાડ: કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતાં 3 યુવાનોના મોત, 2 ગંભીર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ વિસ્તારમાં મોડી રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વાપીથી પરત ઉમરગામ જઈ રહેલી કાર અચાનક ચાલકના કાબૂ બહાર જઈ રોડ નજીક આવેલા એક વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતાં કારમાં સવાર 5 પૈકી 3 યુવાનોના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય બે યુવાનોને ગંભીર હાલતમાં સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઉમરગામના સુંદરવન વિસ્તાર સ્થિત સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટમાં રહેતા 26 વર્ષીય અર્જુન ત્રિયોગીનાથ શાહ, 30 વર્ષીય નરેન્દ્ર રઘુવીરસિંહ રાઠોડ, 27 વર્ષીય બાલારામ ઉર્ફે કિશન ભવરલાલ મેઘવાલ અને તેમના અન્ય બે મિત્રો ગુરુવારે કાર લઈને વાપી ગયા હતા. મોડી રાતે પાંચેય મિત્રો કારમાં ઉમરગામ પરત ફરી રહ્યા હતા, આ દરમિયાન ઉમરગામ-ભિલાડ રોડ પર આવેલા સંજાણ નજીકના ધિમસાકાકરિયા ગામ નજીક અચાનક ચાલકે કાર પરથી કાબૂ ગુમાવી દીધો હતો. પૂરઝડપે જતી કાર રોડ સાઈડના વૃક્ષ સાથે અથડાતાં મોટો ધડાકો થયો હતો અને કારનો કચ્ચરઘાણ બોલાઈ ગયો હતો.
આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા તમામ ઈજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. ઘટના અંગે પોલીસને જાણ કરાતાં કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. ગંભીર ઈજાઓને કારણે અર્જુન શાહ, નરેન્દ્ર રાઠોડ અને બાલારામ મેઘવાલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે મિત્રોને બેભાન અવસ્થામાં તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.મૃતકોમાં અર્જુન અને બાલારામ રીક્ષા ચાલવાતા અને નરેન્દ્ર ક્લેન્ડઝેડ કંપનીમાં નોકરી કરતો હતો. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

