દુર્ઘટના@જામનગર: રિક્ષા-કાર-બાઈક વચ્ચે જોરદાર ટક્કર, 3 લોકોના મોત, 7 ઇજાગ્રસ્ત

 
એકસીડન્ટ
ત્રણેય વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

શ્રાવણ માસના પવિત્ર સોમવારે મહાદેવના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓના પરિવાર પર કાળ ત્રાટક્યો છે. જામનગર-લાલપુર હાઈવે પર આવેલા ચેલા ગામ નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. કાર, બાઈક અને રિક્ષા વચ્ચે થયેલી ટક્કરમાં ઘટનાસ્થળે જ ત્રણ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 5 બાળક સહિત અન્ય સાત જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.અકસ્માતનો ભોગ બનેલા પીડિતો શ્રાવણ માસના પવિત્ર સોમવાર નિમિત્તે ભોળેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા ગયા હતા. 

કાર, બાઈક અને રીક્ષાવચ્ચે થયેલી ટક્કર એટલી પ્રચંડ હતી કે ત્રણેય વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જે દરમિયાન ઘટનાસ્થળે જ ત્રણ લોકોના મોત નીપજ્યા છે. દુર્ઘટના સર્જાતા જ સ્થાનિક લોકોના ટોળેટોળા તાત્કાલિક મદદ માટે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં 5 બાળકો અને 2 મહિલા સહિત કુલ 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને ઝડપથી હોસ્પિટલ પહોંચાડી તાત્કાલિક સારવાર અપાવવા માટે 4 જેટલી એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી. હાલમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 7 ઈજાગ્રસ્તો પૈકી એક વ્યક્તિની હાલત અત્યંત નાજુક હોવાનું સામે આવ્યું છે.આ ગંભીર અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે બચાવ કામગીરી હાથ ધરીને મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ કરી હતી.